ભચાઉ હાઈવે પર ભંગારના વાડામાં ભીષણ આગ
બે વાહનો બળીને ખાખ : ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાઇવે પર આવેલ એક ભંગારના વાડામાં આગનો બનાવ બનતા ભારે નાસભાગ મચી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે આશરે પોણા આઠ વાગ્યાંના અરસામાં નેશનલ હાઈવે પર આવેલી વેરાઈ કૃપા હોટેલ પાસેના એક ભંગારના વાડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણકારી તાત્કાલિક કંટ્રોલ રૂમ નંબર ૧૧૨ મારફતે ભચાઉ ફાયર વિભાગને આપવામાં આવી હતી.આગ એટલી પ્રચંડ હતી કે વાડામાં રાખવામાં આવેલા બે છોટા હાથી વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા અને તેમાં પણ ભીષણ આગ લાગી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ભચાઉ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે સૌ પ્રથમ સળગી રહેલા વાહનો પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ભંગારનો વાડો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વાડામાં આગ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી.ફાયર વિભાગના જવાનોએ સતત બે કલાક સુધી અવિરત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા અને મોટી જાનહાનિ કે નુકસાન વધતું અટકાવ્યું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનો અને ભંગારના માલસામાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.

Comments