ઊંઝાથી મુંદરા પોર્ટ આવતાં ૨૦.૪૨ લાખના જીરૂં-ઈલાયચીની ચોરી
ત્રણ કન્ટેનર ચાલકો સામે ફરિયાદ : સુમન એક્સપોર્ટના માલસામાનમાં રસ્તામાં જ ઘટ જણાતા મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદઃ વિશ્વાસઘાત આચરી ચોરી કરનાર ત્રણ રાજસ્થાની શખ્સો સામે તપાસ શરૂ
ભુજ - કચ્છઉદય : ઊંઝાના વેપારી મથકેથી મુંદરા પોર્ટ મારફતે વિદેશ મોકલવામાં આવતા કિંમતી મસાલાના જથ્થામાં મોટી ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઊંઝાથી મુંદરા આવી રહેલા અંદાજે રૂ. ૨૦.૪૨ લાખની કિંમતના જીરું અને ગ્રીન ઈલાયચીના જથ્થાની ચોરી થવા બદલ ત્રણ કન્ટેનર ચાલકો સામે ઊંઝા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુમન એક્સપોર્ટના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ, ઊંઝાના ગોળાઈ ગેટ પાસે આવેલા ક્રિષ્ના મિલ કમ્પાઉન્ડમાંથી જુદા જુદા કન્ટેનરો મારફતે જીરું અને ઈલાયચી સહિતનો કુલ રૂ. ૨૦,૪૨,૮૦૪નો માલ મુંદરા પોર્ટ મોકલવામાં આવ્યો હતો. મેનેજર જીતેનકુમાર અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ૧૨ નવેમ્બર થી ૬ ફેબ્રુઆરી દરમિયાન દુબઈ અને મલેશિયા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવેલો આ માલ જ્યારે નિર્ધારિત સ્થળે પહોંચ્યો, ત્યારે કન્ટેનરમાં માલનો જથ્થો ઓછો માલૂમ પડ્યો હતો.આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જણાયું હતું કે, ઊંઝાથી મુંદરાના ટ્રાન્ઝિટ રૂટ દરમિયાન કન્ટેનર ચાલકોએ માલસામાનની ચોરી કરીને ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બાડમેર, રાજસ્થાનના વતની એવા ત્રણ કન્ટેનર ચાલકો બંકારામ એદારામ, રાજેશકુમાર ભોલારામ અને જસારામ પદમારામ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી છે. ઊંઝા પોલીસે આર્થિક નુકસાન અને વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments