ઘરગથ્થુ ઉપચાર સાથે જીવનશૈલીમાં બદલાવ લાવી મેદસ્વિતાને દુર કરીએ
ભુજ - કચ્છઉદય : આજની વ્યસ્ત જીવનશૈલીમાં, કામના કારણે તણાવ અને ખાવામાં બેદરકારી ઝડપથી વજન વધવાનું કારણ બની રહી છે. મેદસ્વિતા કે સ્થૂળતા હૃદય રોગથી લઈને હાઈ બ્લડ પ્રેશર સુધીના ઘણા ખતરનાક રોગોનું કારણ બની શકે છે. જો તમે વજન ઘટાડવા માંગતા હો, તો કઈ રીતે તમારી જીવનશૈલીમાં સુધારો કરીને તથા ઘરેલું ઉપચાર અપનાવીને મેદસ્વિતાને દૂર કરી શકાય તેના વિશે જાણીએ....
મેદસ્વિતા કે સ્થૂળતાના લક્ષણો શું છે? : વજનમાં વધારો, બોડી માસ ઇન્ડેક્સમાં વધારો, નાના નાના કામ કરવાથી થાક અને શ્વાસ લેવામાં તકલીફ, જરૂર કરતાં વધુ કે ઓછી ઊંઘ, સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અને ઝડપી શ્વાસ, શરીરના વિવિધ ભાગોમાં સોજો, વધુ પડતો પરસેવો. નસકોરાં, પીઠ અને સાંધામાં દુખાવો આત્મવિશ્વાસનો અભાવ
મેદસ્વિતા કે સ્થૂળતાનું કારણ શું છે? : વજનમાં વધારો અને સ્થૂળતા ઉર્જાના સેવન અને ઉપયોગ વચ્ચે અસંતુલનને કારણે થાય છે. પુરુષો અને સ્ત્રીઓની સ્થૂળતા, ઝડપી વજનમાં વધારા માટે આ કારણો જવાબદાર છે. વધુ પડતું ખાવું, બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવો,ખૂબ વધારે ફાસ્ટ ફૂડ લેવો, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, પૂરતી ઊંઘ ન લેવી, વધારે પ્રમાણમાં તેલયુક્ત ખોરાક ખાવા, આનુવંશિક પરિબળો પણ ભૂમિકા ભજવી શકે છે.
મેદસ્વિતાથી બચવાના ઉપાયો : વજન ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જીવનશૈલીમાં ફેરફાર કરવો અને સ્વસ્થ આહાર લેવો. સ્થૂળતા ઘટાડવા અથવા અટકાવવા માટે નીચે મુજબના રસ્તાઓ અપનાવી શકાય છે.
વધુ પાણી પીવોઃ વજન ઘટાડવા માટે વધારે પાણી પીવું જ મહત્વપૂર્ણ છે. તમારે નિયમિતપણે પાણી પીવું જોઈએ, દિવસભર ઓછામાં ઓછા ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી તમારા શરીરમાં બિનજરૂરી કેલરી બળે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. જમ્યા પછી તરત જ પાણી ન પીવોઃ જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હો, તો જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવો. વધુ પડતું ખાશો નહીં; તમારી ભૂખ કરતાં થોડું ઓછું ભોજન લોઃ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. નિયમિત કસરત કરોઃ કસરત માત્ર વજન ઘટાડવામાં ઉપયોગી નથી પણ તમને ફિટ અને સ્વસ્થ પણ રાખે છે. તેથી, વજન ઘટાડવા માટે નિયમિત કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે. નૃત્યઃ જો તમે કસરત કર્યા વિના વજન ઘટાડવા માંગતા હો, તો નૃત્ય એક સારો વિકલ્પ છે. કસરત વગર શારીરિક હલન ચલન કરીને નૃત્ય દ્વ્રારા વજન ઉતારી શકાય છે. સીડીનો ઉપયોગ કરોઃ દૈનિક ધોરણે એક માળ પરથી બીજા માળ જવા માટે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. ચાલવુંઃ શક્ય હોય તેટલું ચાલવાનો પ્રયાસ કરો, દરરોજ ૧૦થી ૧૫ મિનિટ ચાલવાનું રાખો. સ્વસ્થ આહારઃ વધુ પડતાં ફાસ્ટ ફૂડથી દુર રહી સ્વસ્થ અને સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું. સમયસર ભોજન લેવુંઃ સમયસર ભોજન કરવાનો પ્રયાસ કરો. આહારમાં પ્રોટીનનો સમાવેશ કરોઃ પ્રોટીન યુક્ત આહાર લેવો તે વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમારા આહારમાં સારું પ્રોટીન ખાવાથી ભૂખ ઓછી થાય છે. વધુ ફળો અને શાકભાજી ખાઓઃ વધુ ફળો અને શાકભાજી ખાવાનું રાખવું જોઈએ, કારણ કે તે દરેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળો સારી માત્રામાં ફાઇબર અને પોષક તત્વો પ્રદાન કરે છે. ડિપ્રેશન ટાળોઃ તણાવ સ્થૂળતાનું બીજું કારણ છે. તેથી, શક્ય તેટલું તણાવ ટાળવાનો પ્રયાસ કરો. પૂરતી ઊંઘ લોઃ ઊંઘની સમસ્યાઓ અથવા અસંતુલિત ઊંઘ સ્થૂળતાનું એક કારણ છે. તેથી ૭,૮ કલાકની પૂરતી ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે. તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળોઃ તળેલા ખોરાકનું સેવન ટાળવાનો પ્રયાસ કરો. લીંબુ અને મધનું સેવન કરોઃ લીંબુ અને મધ ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. હૂંફાળું પાણી પીવોઃ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવો. વિવિધ પ્રકારના યોગ અથવા ધ્યાનનો પણ અભ્યાસ કરીને વજન ઘટાડી શકાય છેઃ સૂર્ય નમસ્કાર, કપાલભાતિ, ત્રિકોણાસન, ધનુરાસન વજન ઘટાડવા માટે, તમારી દિનચર્યામાં સુધારો કરવો મહત્વપૂર્ણ છે. વધતું જતું વજન શરીરમાં અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે. પરંતુ જીવનશૈલીમાં સુધારો કરીને અને ઘરેલું ઉપચાર અપનાવીને મેદસ્વિતાને દુર કરી શકાય છે.
---------

Comments