Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનનું ચૌહરીકરણ સંપન્ન : કચ્છના આર્થિક વિકાસ અને રેલવે પરિવહનને મળશે નવી ગતિ

07 February


રેલવે સેફ્ટી કમિશનર દ્વારા આગામી ૧૦ ફેબ્રુઆરીએ ૧૨૦ કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે : મુસાફરો અને માલપરિવહન માટે ‘વાય’ કનેક્શન આશીર્વાદરૂપ સાબિત થશે


ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કચ્છ વિસ્તારમાં રેલવે નેટવર્કને વધુ સક્ષમ અને આધુનિક બનાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલ ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનનું ચૌહરીકરણ કાર્ય પૂર્ણતાના આરે છે. આશરે ૧૦.૬૯ કિલોમીટર લાંબા આ સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઇનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રેલવેની ક્ષમતા વૃદ્ધિ, સુગમ સંચાલન અને ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે. આ નવનિર્મિત લાઇન પર આગામી ૯ અને ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પશ્ચિમ સર્કલના રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે. વિશેષ રૂપે ૧૦ ફેબ્રુઆરીના રોજ આ ટ્રેક પર ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાનાર છે, જેને પગલે રેલવે તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને રેલવે ટ્રેકથી દૂર રહેવા અને લાઇન પાર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ મંડળ દ્વારા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ પરિયોજના અંતર્ગત ગાંધીધામ-આદિપુર સેક્શનને ચાર માર્ગીય કરવાની સાથે આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારમાં વધતી રેલવેની માંગને પહોંચી વળવા અને ખાસ કરીને પોર્ટ આધારિત માલસામાનના ટ્રાફિકને અવરોધરહિત બનાવવા માટે અત્યંત મહત્વનો છે. આ પરિયોજનાની ટેકનિકલ વિગતો પર નજર કરીએ તો, તેમાં ૧૭ કિલોમીટરનું ટ્રેક લિંકિંગ, ૮ નાના પુલનું નિર્માણ અને ૨.૬૦ લાખ ઘન મીટર માટીકામ (અર્થવર્ક) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આદિપુર સ્ટેશન પર સિગ્નલ અને ટેલિકૉમ તેમજ ઓપરેટિંગ કન્ટ્રોલ બિલ્ડિંગનું નવું બાંધકામ કરવામાં આવ્યું છે. ચોથી લાઇન સહિત સમગ્ર સેક્શનનું સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યારે આ માર્ગ પર આવતા એકમાત્ર ગોપાલપુર રેલવે સ્ટેશનને વડોદરાના છાયાપુરી સ્ટેશનની તર્જ પર આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું છે. રેલવે માળખાને વધુ મજબૂત બનાવવા ગાંધીધામ બી કેબિન ખાતે ૧૬ નવા પોઇન્ટ્‌સ અને ક્રોસિંગ સાથે મુખ્ય યાર્ડ રીમોડેલિંગ તથા આદિપુર સ્ટેશન પર ૨૧ નવા પોઇન્ટ્‌સ અને ક્રોસિંગ સાથે લૂપ લાઇનનું કામ પૂર્ણ કરાયું છે.
ગાંધીધામ-આદિપુર બ્રૉડગેજ રેલવે સેક્શન એ દેશના સૌથી વ્યસ્ત લોડિંગ સેક્શનમાંનું એક છે, જ્યાંથી કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિત ભુજ, વાયોર અને હાજીપીર જેવા વિસ્તારોમાંથી મીઠું, પેટ્રોલિયમ, ખાતર અને અન્ય માલસામાન દેશના ખૂણેખૂણે પહોંચે છે. હાલમાં આ સેક્શન અત્યંત ઓવરસેચ્યુરેટેડ હોવાથી ટ્રેનોના સંચાલનમાં ભારે દબાણ રહેતું હતું. મુન્દ્રા પોર્ટની વધતી ક્ષમતાને જોતા આગામી સમયમાં માલસામાન ટ્રાફિક વધવાની પૂરી સંભાવના છે, ત્યારે આ ચૌહરીકરણથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને માલગાડીઓનું સંચાલન વધુ ઉત્તમ બનશે. આ વિભાગ અમદાવાદ મંડળમાં સૌથી વધુ એટલે કે વાર્ષિક ૭૦ થી વધુ ગ્રોસ મિલિયન ટન લોડિંગ ધરાવે છે. લાઇન ક્ષમતા વધવાથી પેસેન્જર ટ્રેનોની સમયપાલનતામાં સુધારો થશે અને ભવિષ્યમાં નવી ટ્રેનો કે વધારાના ફેરા શરૂ કરવાની તકો ઊભી થશે, જે પ્રવાસીઓ માટે આરામદાયક અને ભરોસાપાત્ર મુસાફરી સુનિશ્ચિત કરશે.
આ પરિયોજનાનો સૌથી મોટો ફાયદો ‘વાય’ કનેક્શન અને ગોપાલપુરના નવા સ્ટેશનથી મળશે. હવે અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી મુસાફર ટ્રેનોના સમયમાં અંદાજે ૨૦ મિનિટનો બચાવ થશે. આ ઉપરાંત ઇંધણની બચત થશે અને સંચાલન પ્રક્રિયા વધુ સરળ બનશે. કંડલા અને મુન્દ્રા પોર્ટથી જોડાયેલા કન્ટેનર અને અન્ય માલના પરિવહનમાં ઝડપ આવવાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ ઉદ્યોગો અને આયાત-નિકાસ ક્ષેત્રને મળશે. સમગ્રપણે આ પ્રોજેક્ટ કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે, રોજગારીની તકોનું સર્જન કરશે અને વેપાર તેમજ પર્યટન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. આમ, ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનનું આ આધુનિકીકરણ કચ્છના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં એક સીમાચિહ્ન સમાન બની રહેશે.
----------- 

Comments

COMMENT / REPLY FROM