ગાંધીધામના રસ્તા પર ‘રફ્તારના રાક્ષસો’નો તાંડવ..! : ‘યમદૂત’ બનતા નબીરાઓ : પોલીસનું મૌન કે લાચારી?
ગાંધીધામના ટાગોર રોડ પર લોહીની હોળી ખેલતા નબીરાઓ સામે તંત્ર ક્યારે જાગશે? પિતાના પૈસે નશામાં ચૂર થઈને નિર્દોષોના જીવ લેનારા આ ‘રફ્તારના રાક્ષસો’ને કાયદાનો ડર કેમ નથી?
પિતાના પૈસાનો નશો અને દારૂની લતે ચડેલા નબીરાઓ માટે નિર્દોષોના જીવ શું માત્ર રમકડું છે? અમદાવાદની ‘તથ્ય કાંડ’ જેવી ઘટનાઓ ટાગોર રોડ પર બની રહી છે સતત, છતાં પોલીસ કેમ કુંભકર્ણી નિદ્રામાં છે?
પોલીસ તંત્ર જાગે અને નબીરાઓને બતાવે કે કાયદો
પિતાના ખિસ્સામાં નહીં, પણ રસ્તા પર મજબૂત છે!
પોલીસતંત્રએ ૩ પૈકીના બે શખ્સોને દબોચી લીધા, બાકીનાઓને પકડવા યુદ્ધના ધારણે કાર્યવાહી તેજ : વાહનચાલક મુખ્ય આરોપી વિદેશ સરકી જાય તે પહેલા ઝડપવા ચક્રો ગતિમાન કરવા જરૂરી
ગાંધીધામ : ગાંધીધામનો ટાપર રોડ અત્યારે ‘ડેથ ઝોન’ બની ગયો છે. રાત્રિના સમયે આ રસ્તા પર કાયદાનું નહીં, પણ કાળઝાળ ઝડપે દોડતા નબીરાઓનું શાસન ચાલે છે. જ્યારે આખું શહેર સૂતું હોય છે, ત્યારે નશામાં ધુત આ ‘યમદૂતો’ રસ્તા પર લોહીની હોળી ખેલવા નીકળે છે. ગાંધીધામમાં જે રીતે નિર્દોષોના જીવ લેવાનો સિલસિલો શરૂ થયો છે, તે પોલીસ તંત્રની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે.અમદાવાદનો ઇસ્કોન બ્રિજ હોય કે રાજકોટ-સુરતની સડકો, હવે ગાંધીધામ પણ આ કાતિલ રફ્તારના પાપનું કેન્દ્ર બની રહ્યું છે. પિતાના કમાયેલા કાળા-ધોળા પૈસા પર ઉછરતા આ નબીરાઓ રાત્રિના સમયે રસ્તા પર નીકળે છે ત્યારે તેમને અટકાવવા વાળું કોઈ નથી હોતું. સવાલ એ છે કે ટ્રાફિક સર્વેલન્સ અને સીસીટીવીની મોટી-મોટી વાતો કરનાર પોલીસ તંત્ર રાત્રિના સમયે ક્યાં ઊંઘતું હોય છે ગાંધીધામ, જે કચ્છનું આર્થિક હબ ગણાય છે, ત્યાં રાત્રિના સમયે ટ્રાફિક સર્વેલન્સ જેવી કોઈ વ્યવસ્થા જ નથી તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ટાગોર રોડ પર જે રીતે ફુલ સ્પીડમાં ગાડીઓ દોડે છે, તે જોતા લાગે છે કે આ નબીરાઓને કાયદાનો કોઈ ખોફ જ નથી. પિતાના પૈસાના જોરે આ યુવાનો માનવ જીવની કિંમત ભૂલી ગયા છે. તંત્રની બેદરકારી જ આ ગુનેગારોનું સાચું પીઠબળ છે. જો આજે ગાંધીધામની પોલીસ કડક હાથે કામ નહીં લે, તો આવતીકાલે કોઈ બીજો નિર્દોષ આ નબીરાઓની રફ્તારનો શિકાર બનશે. પોલીસ વડાએ ગાંધીધમાના ટ્રાફિક વિભાગે એસી ઓફિસમાંથી બહાર કાઢી મોકાના ચાર રસ્તા પર માત્ર અને માત્ર રોકડી કરનારાઓને રસ્તા પરની આ ‘ડેથ ટ્રેપ’ રોકવા સક્રીય કરવી જ પડશે.
..........
આક્રોશના આકરા સવાલો : તંત્ર જવાબ આપે!
•ક્યાં છે નાઈટ પેટ્રોલિંગ? રાત્રિના સમયે જ્યારે સૌથી વધુ જોખમ હોય છે, ત્યારે પોલીસ જવાનો રસ્તા પર કેમ દેખાતા નથી? •સીસીટીવી કે શો-પીસ? કરોડોના ખર્ચે લાગેલા કેમેરા શું માત્ર દંડ વસૂલવા છે? • આ ફૂલ સ્પીડ કારો કેમ કેપ્ચર નથી થતી? •કોનો ભય? • શું આ નબીરાઓ કોઈ વગદાર રાજકીય કે આર્થિક પીઠબળ ધરાવે છે જેના કારણે પોલીસ એક્શન લેતા ડરે છે? • વાસ્તવિકતા ટ્રાફિક સર્વેલન્સ ક્યાં છે? • કરોડોના સીસીટીવી કેમેરા શું માત્ર ધૂળ ખાવા માટે છે? •પોલીસ પેટ્રોલિંગ કેમ ગાયબ? • રાત્રે ચેકપોસ્ટ પર પોલીસને બદલે રફ્તારના રાક્ષસો કેમ ફરે છે? • કોના બાપની દિવાળી? • નબીરાઓના પિતાના ખિસ્સા ગરમ છે એટલે પોલીસ નરમ છે? કડક કાયદો ક્યારે? • શું હજુ વધુ લાશો પડવાની પોલીસ રાહ જોઈ રહી છે?
..........
હવે તો જાગો!
ફાસ્ટ ટ્રેક સજાઃ આ નબીરાઓને માત્ર જામીન
આપીને ન છોડો, બેદરકાર માવતર પર કાર્યવાહીઃ જે માવતર જાણતા-અજાણતમા
પોતાના નબીરાઓને દારૂ પીવા અને સ્પીડમાં ગાડી ચલાવવા છૂટો દોર આપે છે, તેમની સામે પણ ગુનો નોંધાવો જોઈએ. સીસીટીવી કેમેરાનું જીવંત મોનિટરિંગઃ રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી હાઈ-સ્પીડ એલર્ટ સિસ્ટમ કાર્યરત કરો.
.........
સીસીટીવીના નામે માત્ર ‘મોટી વાતો’
સરકાર સ્માર્ટ સિટી અને સર્વેલન્સની મોટી વાતો કરે છે, પણ જ્યારે કોઈ નિર્દોષનો જીવ જાય ત્યારે કેમેરા કાં તો બંધ હોય છે અથવા ઓપરેટર ઊંઘતા હોય છે. શું સર્વેલન્સ કરનાર ટીમ રાત્રિના સમયે હાજર નથી હોતી? જો કોઈ વાહન નિર્ધારિત ઝડપ કરતા વધુ સ્પીડમાં જતું હોય, તો તેને તાત્કાલિક અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર વાન કેમ દેખાતી નથી?
........
કાયદો તોડનારને કડક રાહે નશ્યત કરવામાં આવશે : સાગર બાગમાર (પૂર્વ કચ્છ એસપી)
ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે :
શ્રી સાગર સાંબડા (ડીવાયએસપી)
ગાંધીધામ : ટાગોર રોડ પર અકસ્માતની બનેલી ગંભીર ઘટના બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા મીડીયા સાથે વાત કરતા ક્હયુ હતુ કે, આ બનાવ બન્યો છે તે રાત્રી દરમ્યાન બન્યો છે. ઘટના બની ત્યારે પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના શરૂ કરાઈ છે. આરોપીઓને પકડવાની તજવીજ પુરજોશમાં ચાલુ છે. ઝડપાયેલો આરોપી બાજુમાં બેઠેલ હતો, વાહનચાલકને પકડવાની તજવીજ ચાલુ છે. તપાસમાં જે નીકળશે તે અંગે કડકાઈથી કાયદેસરની કાર્યવાહી થશે. સાયન્ટીફીક સહિતની બધી જ મદદ એફએસએલની લેવામા આવશે. ફરીયાદ આવી ગયા બાદ તપાસ પ્રોપર રીતે કરવામા આવશે. ઝડપાયેલ શખ્સની મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
ડીવાયએસપીશ્રી સાગર સાબડાએ વાત કરતા કહ્યુ હતુ કે, એસપીશ્રીના માર્ગદૃશન હેઠળ આ ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. વાહન ચલાવનારા નશાની હાલતમાં હતા કે કેમ તે સહિતના વિષયો પર તપાસ હાથ ધરાઈ હોવાનુ ડીવાયએસપીશ્રીએ જણાવ્યું હતુ.
.........
પ્રજાજનોની આક્રમક માંગણીઓ
•લાયસન્સ રદ કરોઃ રસ્તા પર જોખમી રીતે ગાડી ચલાવનાર નબીરાઓના લાયસન્સ આજીવન રદ કરવામાં આવે.
•દારૂના અડ્ડાઓ પર તવાઈઃ રાત્રિના સમયે જે અડ્ડાઓ પરથી આ નબીરાઓ નશો કરીને નીકળે છે, ત્યાં દરોડા પાડો.
•નાઈટ વિઝિલન્સ વધારોઃ ટાપર રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ૨૪ કલાક પોલીસ પોઈન્ટ ઉભો કરવામાં આવે.
..........
પોલીસની બેદરકારી કે મિલીભગત?
શહેરમાં સર્વેલન્સ કરનાર ટીમ રાત્રે શું કરે છે? જો કોઈ વાહન નિર્ધારિત મર્યાદા કરતા વધુ સ્પીડમાં જતું હોય, તો તેને આગલા
પોઈન્ટ પર અટકાવવાની ક્ષમતા ગાંધીધામ પોલીસ પાસે કેમ નથી? આ રફ્તારના રાક્ષસો ક્યારેક અમદાવાદ, ક્યારેક રાજકોટ તો ક્યારેક સુરતમાં પાયમાલી સર્જે છે, અને હવે ગાંધીધામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો કારણ કે કાયદાનો સકંજો માત્ર કાગળ પર મજબૂત છે, વાસ્તવમાં નહીં.
.........
નશાનો કેફ અને નિર્દોષોનો ભોગ
ગાંધીધામના ટાગોર રોડ પર જે ઘટના બની તે સાબિત કરે છે કે અહીં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું નથી. દારૂના નશામાં ધુત યુવાનો ગળાકાપ ઝડપે ગાડીઓ દોડાવે છે, જાણે રસ્તો તેમના પિતાની જાગીર હોય! એક તરફ સામાન્ય માણસ હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેર્યો હોય તો પોલીસ તરત દંડ ફટકારે છે, તો બીજી તરફ આ ‘કાતિલ નબીરાઓ’ નિર્દોષોનો ભોગ લે છે.
.........
ગાંધીધામમાં નબીરાઓનો જીવલેણ આતંક :
બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત : જનાક્રોષ
ટાગોર રોડ પર બેફામ સ્પીડે આવતી કારે બાઈક અને એક્ટિવાને કચડી : અકસ્માત સર્જી ભાગવા જતાં નબીરાઓને જનતાએ મેથીપાક ચખાડ્યો : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હાથ ધરી આગળની તપાસ
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ગત મધરાત્રે નબીરાઓએ કાયદાના રીતસરના લીરેલીરા ઉડાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં
પૂરપાટ ઝડપે આવી રહેલી એક મારુતિ સુઝુકી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા એક એક્ટિવા અને મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને વાહનોના ફુરચા બોલી ગયા હતા. આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર ભાવિક મહેશ્વરી અને કલ્પેશ મહેશ્વરી નામના બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.કરુણતા એ વાતની છે કે મૃતક ભાવિક મહેશ્વરીનો ગઈકાલે જ જન્મદિવસ હતો. પોતાના જન્મદિનની ખુશીઓ મનાવીને પરત ફરી રહેલા આ યુવાનને કાળનો પંજો ભરખી જતાં સમગ્ર મહેશ્વરી સમાજ અને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. જન્મદિવસની ગણતરીની કલાકોમાં જ આશાસ્પદ પુત્રની અર્થી ઉઠતા
પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર અન્ય બે યુવાનો ચંદ્રેશ દનિચા અને ભાવેશ ભાર્યાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર નબીરાઓએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસ એકઠા થયેલા રોષે ભરાયેલા લોકોએ એક નબીરાને ઝડપી પાડી
મેથીપાક ચખાડ્યો હતો. જોકે, અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને
પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર
આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ગાંધીધામમાં સતત વધી રહેલા નબીરાઓના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.
..........
બનેવીની નજરની સામે સાળાનું કમકમાટીભર્યુ થયું મોત
રફતારના રાક્ષસના કહેરનો ભોગ બનનારા પૈકીના એક ચંદ્રેશભાઈ રમેશભાઈ દનિચાએ ઘટનાની આપવીતી વર્ણવી : કારની સ્પીડ એટલી હતી કે, અમે ઉભેલા ચાર પૈકીના બે લોકોને કારની ટકકરે ૧૦૦ ફુટ દુર હવામાં ઉછાળીને ફંગોળી દીધા હતા..!
ગાંધીધામ : ગાંધીધામના ટાગોર રોડ પર બનેલી ઘટનામાં કારની હડફેટે ચાર લોકો આવી ગયા હતા. જેમાં બેના કમકમાટીભર્યા મૃત્યુ થયા તો એકને માથામાં ગંભીર ઈજાઓ થવા પામતા તે ડીવાઈન લાઈન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવુ ચાર પૈકીના એક સ્વસ્થ રહેલા ચંદ્રશ રમેશભાઈ દનિચાએ કહ્યુ હતુ. તેઓએ ઘટનાની આપવીધી વર્ણવતા કહ્યુ હતુ કે, રાત્રે તેઓ કામેથી વળી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અતિ પુરપાટ ઝડપે બેદરકારી પૂર્વક હંકારતી કાર આવી હતી અને ઉભેલા ચારેને હડફેટે લીધી હતી. જેમાં બે લોકો ૧૦૦ ફુટથી વધુ દુર હવામાં ઉછળીને ફંગોળાઈ ગયા હતા. તે બન્નેના મૃત્યુ થયા છે જેમાથી એક મારો સાળો થાય છે તેવુ મીડીયા સાથેની વાતચીતમાં ચંદ્રેશભાઈએ જણાવ્યુ હતુ. વાહનચાલકે ચારોને ફંગોળી સ્ટીયરીંગ વાળી અને તરત ડીવાઈડર પર ચડાવી દીધી હતી જેમાં વીજપોલ પણ તુટી જવા પામયો છે. અમે ચાર જણ ઉભા હતા જેમાથી બેના મૃત્યુ થયા છે, એકને ગંભીર ઈજાઓ થવા પામી છે જે સારવાર હેઠળ છે.
.........
આ તે વળી કુદરતનો કેવો ખેલ..!
મૃતક પૈકીના ભાવીકનો ગત રોજ ૧ર વાગ્યે જન્મદિન પૂર્ણ થયો અને ૧.૩૦ આસપાસ અકાળે થયું મૃત્યું!
ગાંધીધામ : જ જાણ્યું જાનકી નાથે કે સવારે થવાનું છે શું? આ ઉકિત ટાગોર રોડ પર બનેલી ઘટનાના એક મૃતક આશાસ્પદ યુવાનના કિસ્સામાં પણ યર્થાથ જોવાઈ રહી છે. આ પૈકીના એક ભાવિક નામનો યુવાનનો તો ગત રોજ ૧રઃ૦૦ વાગ્યે જન્મદિન સંપન્ન થવા પામ્યો હતો અને ૧ઃ૩૦ અસપાસ તો તેને ટાગોર રોડ પર કાળનો ભેટો થતા અકાળે તેનું દુખદ મૃત્યુ થવા પામયું છે. આખો દીવસ જન્મદીવસની શુભકામનાઓ શુભેચ્છાઓનો વરસાદ મેળવાનાર આ યુવાનને જન્મદીન પૂર્ણ થયના ગણતરીના કલાકોમાં જ કાળનો ભેટો થશે તેવી કલ્પના પણ કોઈ કરી શકે ખરૂં..- આ તે વળી કુદરતનો કેવો ખેલ..!
........

Comments