Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઓરીના રોગે માથું ઉચક્યું : ભુજ અને લખપત પંથકમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો 

07 February



જિલ્લામાં સત્તાવાર રીતે સરકારી ચોપડે માત્ર ૧૧ કેસ નોંધાયા પણ વાસ્તવિક પરિસ્થિતિ અલગ : ખાનગી દવાખાનાઓમાં ઓરીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી : તંત્ર દ્વારા સર્વે અને રસીકરણની કામગીરી તેજ કરાઈ 
 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હાલ શિયાળાની ધીમી વિદાય અને ઉનાળાના આગમન પૂર્વે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલા આ પલટાની સાથે જ જિલ્લામાં ઓરીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં બાળકોમાં આ બીમારીના લક્ષણો વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. ભુજ તાલુકાના માધાપર જેવા વિકસિત ગામમાં એક જ સોસાયટી વિસ્તારમાં બે થી ત્રણ કેસ સામે આવ્યા છે, જ્યારે સરહદી લખપત તાલુકાના વિવિધ ગામોમાં પણ ઓરીના અનેક કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સરકારી હોસ્પિટલોની સરખામણીએ ખાનગી દવાખાનાઓમાં ઓરીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લામાં સત્તાવાર રીતે ૧૧ કેસની નોંધણી થઈ છે. લખપત તાલુકાના હરોડા ગ્રામીણ વિસ્તારમાં ત્રણેક જેટલા કેસ દેખાતા ભુજ મેડિકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું. હાલે કચ્છ જિલ્લામાં છૂટછવાયા કેસો દેખાયા છે, પરંતુ એક જ સ્થળે સામટા કેસો જોવા મળ્યા નથી. હાલે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે છતાં ત્રણ સતર્કતા દાખવી રહ્યું છે. જોકે, તબીબી સૂત્રો અને 
જાણકારોના મતે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા કરતા અનેકગણા કેસો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. તંત્ર દ્વારા જે વિસ્તારોમાં કેસો મળી આવ્યા છે ત્યાં સઘન સર્વેક્ષણ અને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમ છતાં, ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ 
જાગૃતિના અભાવે લોકો હોસ્પિટલ જવાને બદલે પરંપરાગત ઘરગથ્થુ ઉપચારો પર વધુ જોર આપી રહ્યા છે, જે રોગના ફેલાવા માટે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાંત તબીબોએ કચ્છના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે ઓરી એ ચેપી રોગ હોવાથી તેને હળવાશથી લેવો જોઈએ નહીં. તબીબોના મતે જો બાળકને તીવ્ર તાવ, શરીરમાં નબળાઈ અને શરીર પર લાલ ચકામાં દેખાય તો તુરંત નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. વાલીઓએ ખાસ તકેદારી રાખવી કે ઓરીથી સંક્રમિત બાળકને અન્ય બાળકોથી અલગ રાખવું જેથી ચેપ ફેલાતો અટકાવી શકાય. તબીબોએ ભારપૂર્વક જણાવ્યું છે કે અંધશ્રદ્ધા કે ઘરગથ્થુ ઉપચારોમાં સમય બગાડવાને બદલે ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી હિતાવહ છે. ખાસ કરીને નવ માસથી પાંચ વર્ષની વયના બાળકોને ઓરી-રૂબેલાની રસી સમયસર અપાવવી એ જ આ બીમારી સામેનું શ્રેષ્ઠ રક્ષણ છે.

........

 

Comments

COMMENT / REPLY FROM