લીકર માફીયા અનિલ પંડયાની ધરપકડ : કચ્છ કનેકશન અને ખાખીના વહીવટદારો-બુટલેગર લોબીના શ્વાસ થયાં અદ્વર..!
અનિલ કોના કોના નામો એજન્સી પાસે ઓકી દેશે?
લીકર કિંગ અનિલ પંડ્યા દુબઈમાં દબોચાયોઃ હવે ખુલશે
કચ્છ-ગુજરાતના ખાખીના વહીવટદારોના કાચા ચિઠ્ઠા!
દુબઈમાં બેસી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં દારૂનું નેટવર્ક ચલાવતો પંડ્યા એજન્સીઓના રડારમાં આવ્યો; ભારત લાવવાની તજવીજ તેજ
ગાંધીધામ : ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના ગુનાહિત આલમમાં છેલ્લા બે દાયકાથી લિકર માફિયા તરીકે બેતાજ બાદશાહ બની ગયેલો અનિલ પંડ્યા આખરે દુબઈમાં ઝડપાઈ ગયો છે. ગુજરાત એટીએસ ને મળેલી સચોટ બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપરેશન પાર પાડીને તેને દબોચી લેવામાં આવ્યો છે. ફતેપુરના રૂપનગરનો રહેવાસી અનિલ પંડ્યા ૨૦૧૨માં મર્ડર કેસમાં સંડોવાયા બાદ ફરાર થયો હતો અને ૨૦૨૨માં દુબઈ ભાગી ગયો હતો. ત્યાં બેસીને તે આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો.ગુજરાતના લિકર માફિયા અનિલ પંડ્યાની દુબઈમાં થયેલી ધરપકડ એ માત્ર એક ગુનેગારની પકડ નથી,
પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા એક મજબૂત ગુનાહિત નેટવર્ક પરનો મોટો પ્રહાર છે. અનિલ પંડ્યાની ધરપકડથી સૌથી વધુ ગભરાટ કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે. માંડવી, ભચાઉ કે કેરાના કેસ હોય, દરેક તપાસમાં સપ્લાયર તરીકે પંડ્યાનું નામ ઉછળ્યું છે. પરંતુ, શું પંડ્યા એકલો આ કામ કરી શકતો હતો? જવાબ ‘ના’ છે. કોઈપણ બુટલેગર કે માફિયા ત્યારે જ ફૂલીફાલી શકે જ્યારે તેને ‘ખાખી’ અને ‘વહીવટદારો’નું મજબૂત પીઠબળ હોય. પંડ્યાની ધરપકડ એવા અનેક ભ્રષ્ટ અધિકારીઓની ઊંઘ હરામ કરી દેશે જેઓ કરોડોના હપ્તા લઈને આ નેટવર્કને ખાતર-
પાણી પૂરું પાડતા હતા.અનિલ પંડયાને દુબઈમાં પકડી ભારત લવાઈ રહ્યો છે અને અહી તેની વિવિધ એજન્સીઓ દ્વારા પુછતાછ કરવામા આવશે ત્યાં હરીયાણા-રાજસ્થાનથી ગુજરાતના છેવાડાના કચ્છ સુધી દારૂનુ મોટું નેટવર્ક આ અનિલ પંડયાએ કઈ રીતે વિકસવાયુ? અને તેમા કોણ કોણ સામેલ છે તે સહિતના મોટા ખુલાસા થવાની ભીતી સેવાઈ રહી છે અને તેને પગલે જ હવે કચ્છમાં પણ અનિલ પંડયાથી દારૂ મંગાવનાર મોટી બુટલેગર લોબી તથા ખાખીના બની બેઠલા ભ્રષ્ટ વહીવટદારો સહિતઓના શ્વાસ અદ્વર થવા પામી ગયા છે. બધાયને બીક સતાવી રહી છે કે અનિલ મોઢુ ખોલી નાખશે તો કોના કોના નામો આપી દેશે?અનિલ પંડ્યાની ધરપકડના સમાચારથી કચ્છના બુટલેગરો, વહીવટદારો અને ‘ભ્રષ્ટ ખાખીદારીઓ’ માં ભારે ગભરાટ ફેલાયો છે. હરિયાણાથી રાજસ્થાનના આબુરોડ અને બનાસકાંઠા થઈને દારૂનો જથ્થો પૂર્વ અને પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં પંડ્યા મુખ્ય સપ્લાયર હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છમાં કરવામાં આવેલી તાજા ભુતકાળની મોટી રેડ, માંડવીના ત્રગડીનો કેસ, ભચાઉનો કેસ કે કેરાવાળા અનુપનો કેસ હોય તમામમાં સપ્લાયર તરીકે અનિલ પંડ્યાનું નામ ખુલ્યું છે. હવે અનિલના સાગરીતોને પ્રશ્ન એ છે કે, અનિલ પંડ્યા
પૂછપરછમાં કચ્છના કયા કયા સફેદપોશ અને વહીવટદારોના નામ ઓકશે?
..........
તપાસ ‘સ્ટેટ મોનીટરીંગ સેલ’ હસ્તક રાખવી અનિવાર્યઃ
ગાંધીધામ : જાણકારોનું માનવું છે કે, જો અનિલ
પંડ્યાની તપાસ જે-તે જિલ્લાની પોલીસને સોંપવામાં આવશે, તો ભ્રષ્ટ વહીવટદારો અને સેટિંગબાજો જેલની અંદર તેને તમામ સુવિધાઓ પૂરી પાડીને મોટા ખુલાસા થતા રોકી દેશે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આ કેસની તપાસ સ્ટેટ એજન્સી(એસએમસી)એ પોતાની પાસે જ રાખવી જોઈએ, જેથી કરોડોના હપ્તાખોરીના નેટવર્ક અને મોટા માથાઓના નામ બહાર આવી શકે.
..........
ગૃહમંત્રીશ્રી માટે આ એક મોટી તક છે..!
ગાંધીધામ : ગૃહ વિભાગ માટે આ એક મોટી તક છે. જો અનિલ પંડ્યાની પૂછપરછમાં કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર તપાસ થશે, તો ગુજરાતમાં દારૂબંધીના નામે ચાલતી કરોડોની ‘ઇકોનોમી’નો પર્દાફાશ થઈ શકે છે. જો પંડ્યાના નામો ઓકવાથી સિસ્ટમના કાળા ચહેરાઓ સામે આવશે, તો જ સાચા અર્થમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો વિજય થશે. નહીંતર, એક પંડ્યા જશે અને બીજો કોઈ ‘બાદશાહ’ તૈયાર થઈ જશે.
.........
તપાસમાં સત્ય બહાર આવશે
કે સેટિંગ થશે ?
• નામોની યાદીઃ અનિલ પંડ્યાના પેરોલ પર ગુજરાત અને કચ્છના કેટલા ‘મોટા ગજાના’ પોલીસ અધિકારીઓ અને વહીવટદારો હતા? • કરોડોનું ફંડિંગઃ દુબઈમાં બેસીને ભારતની સિક્યુરિટી એજન્સીઓની નજર બહાર આટલું મોટું સામ્રાજ્ય કોના આશીર્વાદથી ચાલતું હતું?• નેટવર્કનો અંતઃ શું અનિલ પંડ્યાની ધરપકડ બાદ શું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત અમલ થશે કે પછી નવો કોઈ ‘બાદશાહ’ ઉભો થશે?
.........

Comments