કચ્છ ક્રિકેટ એસોશિયેશન - ભુજ ટીમની મોરબી સામે ૯૯ રનથી જીત
આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફો ક્રિકેટ ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટની સુરેન્દ્રનગર ખાતે રમાયેલી મેચમાં કેસીએ ભુજ ટીમની મોરબી ટીમ સામે ૯૯ રને જીત થઈ હતી. બીજી ઇનિંગમાં ૫૬ રન અને ૨ વિકેટ લેનાર કિશન વરસાણી પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા.
પ્રથમ દિવસે ટોસ જીતીને મોરબીએ કચ્છને દાવ માટે આમંત્રિત કરી હતી. કેસીએ ભુજ ટીમે પ્રથમ દાવમાં ૭૭.૨ ઓવરમાં ૨૬૪ રન કર્યા હતા, જેમાં હિરેન કેરાઇ ૫૩ રન, ભવ્ય ઠક્કર ૫૧ રન અને આર્યન મલેકના ૪૭ રન મુખ્ય હતા. મોરબી તરફથી મનજીત કુમખાણીયાએ ૬ વિકેટ અને જેનિશ ટપારીયાએ ૪ વિકેટ લીધી હતી. જવાબમાં બીજા દિવસે લંચ સુધીમાં મોરબી તેના પ્રથમ દાવમાં ૫૪.૪ ઓવરમાં માત્ર ૧૫૩ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, જેમાં યશરાજસિંહ ઝાલાના ૭૬ રન મુખ્ય હતા. કેસીએ ભુજ તરફથી અવનીશ કેરાઈએ ૪ વિકેટ, જયદીપ જોશી અને ધુવમ પટેલે ૨ - ૨ વિકેટ તેમજ કિશન વરસાણીએ ૧ વિકેટ લીધી હતી. કેસીએ ભુજ ટીમને પ્રથમ દાવમાં ૧૧૧ રનની લીડ મળી હતી.
બીજી ઇનિંગમાં દાવ લેવા ઉતરેલ કચ્છ ટીમ ૪૩.૩ ઓવરમાં ૧૬૫ રન કરીને ઓલ આઉટ થઈ ગઇ હતી, જેમાં કિશન વરસાણી ૫૬ રન અને હિરેન કેરાઈના ૫૦ રન મુખ્ય હતા.મોરબી તરફથી બીજા દાવમાં હેપ્પીકુમાર ભાટિયાએ ૫ વિકેટ લીધી હતી. આમ કેસીએ ભુજ ટીમ તેના બીજા દાવમાં ૧૬૫માં ઓલ આઉટ થતા તેની કુલ લીડ ૨૭૬ રન થઈ હતી. બીજા દિવસના અંત ભાગમાં ૨૭૭ રનનો પીછો કરવા ઉતરેલ મોરબી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ૭ ઓવરમાં માત્ર ૨૯ રનમાં જ ૨ વિકેટ ગુમાવી દીધી હતી. મેચના ત્રીજા દિવસે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ મોરબીની ટીમે મક્કમ શરૂઆત કરી હતી અને ત્રીજી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી કરી હતી. આ જોડી તૂટતા મોરબીની ટીમે સમયાંતરે વિકેટ ગુમાવી હતી. તેની સમગ્ર ટીમ ૧૭૭ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. મોરબી તરફથી યશરાજસિંહ ઝાલાએ ૫૯ રન કર્યા હતા. કચ્છ તરફથી પૂર્વ રાઠોડે ૩ વિકેટ, જયદીપ જોશી અને કિશન વરસાણીએ ૨ - ૨ વિકેટ તેમજ આયન મલેક, ધ્રુવમ પટેલ અને અવનીશ કેરાઇને ૧ - ૧ વિકેટ મળી હતી. કેસીએ ભુજ ટીમનો ૯૯ રન થી વિજય થયો હતો.
કચ્છ તેની બીજી મેચ જામનગર રૂરલ સામે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી સુરેન્દ્રનગર ખાતે રમશે. સમગ્ર ટીમને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના હોદ્દદારો તેમજ સિલેક્ટરોએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવતી મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. ટીમ સાથે કોચ મહેશભાઇ પંડ્યા અને ટીમ મેનેજર તરીકે અમિતભાઇ રાઠોડ જોડાયેલા છે.
-----

Comments