અંજારમાં રહેણાંક મકાન પર એલસીબીનો દરોડોઃ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વરસામેડી સીમમાં કાર્યવાહી કરી ૩૬ બોટલ દારૂ કબજે કરાયો
અંજાર - કચ્છઉદય : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ગાંધીધામ એલસીબીની ટીમ જ્યારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વરસામેડી સીમમાં આવેલા અંબાજી સિટી સોસાયટીમાં ત્રાટકી હતી. અહીં રહેતા વિરેન્દ્રસિંહ તખુભા ઝાલા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની માહિતી સાચી ઠરી હતી.પોલીસે બાતમીવાળા મકાન પર રેડ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી હતી. આ જથ્થાની કિંમત અંદાજે ૩૯,૬૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી આરોપી વિરેન્દ્રસિંહ તખુભા ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ રાજદિપસિંહ ભરતસિંહ ઝાલાને હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમન કરાયા છે. એલસીબીની ટીમે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા, સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબીના અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.

Comments