ભુજમાં વિદેશ જવા માટે મેડિકલ ટેસ્ટમાં છેતરપિંડી આચરતું કૌભાંડ ઝડપાયું
પાસપોર્ટ અને આધારકાર્ડમાં ચેડાં કરી અન્ય વ્યક્તિને પરીક્ષણ માટે મોકલ્યો : પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે બાતમીને આધારે રેડ પાડી એક આરોપીને દબોચ્યો : અન્ય બે શખ્સોની શોધખોળ તેજ
ભુજ - કચ્છઉદય : વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિના બદલે અન્ય વ્યક્તિને મેડિકલ ટેસ્ટ માટે ઉભો રાખી સરકારી દસ્તાવેજો સાથે છેતરપિંડી આચરવાનું એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમી મુજબ ભુજ રેલ્વે સ્ટેશન પાસે આવેલી એક હોટલ નજીક આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જ્યાં પોલીસે દરોડો પાડી એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, દિનેશકુમાર પટેલ નામના વ્યક્તિને આર્થિક ઉપાર્જન માટે વિદેશ જવાનું હતું, પરંતુ મેડિકલ ક્ષતિઓને કારણે તે ત્યાં જઈ શકે તેમ નહોતો. આથી તેણે ગેરકાયદેસર રીતે વિદેશ જવાના ઈરાદે સંદીપ શાંતિલાલ લુહાર નામના શખ્સ સાથે સંપર્ક કર્યો હતો. સંદીપે દિનેશકુમારના બદલે અન્ય કોઈ વ્યક્તિને મેડિકલ ફિટનેસ ટેસ્ટમાં મોકલી આપવાની ખાતરી આપી હતી અને તે માટે એક લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે આરોપીઓએ દિનેશકુમારના અસલી પાસપોર્ટ અને આધારકાર્ડમાં છેડછાડ કરી સંજયકુમાર નટવરલાલ લુહારનો ફોટો લગાવી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેથી સંજયકુમાર દિનેશના નામે મેડિકલ ટેસ્ટ આપી શકે.
પશ્ચિમ કચ્છ પોલીસની સતર્કતાને કારણે આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રેડ દરમિયાન સંજયકુમાર લુહાર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા સંદીપ લુહાર અને મૂળ અરજદાર દિનેશકુમાર પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ઘટના સ્થળેથી બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી
રહી છે.
.........

Comments