મુંદરાના ભોરારા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોતથી અરેરાટી
૩ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે મૃતદેહો બહાર કાઢ્યા : સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું
મુંદરા - કચ્છઉદય : તાલુકાના ભોરારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ ગત રાતે આ દુઃખદ બનાવ બન્યો હતો.
નર્મદાની કેનાલમાં શ્રીજી નગરમાં રહેતા ૧૭ વર્ષીય સાગર અશોક પાંડે અને બારોઈની કલાપૂર્ણ રેસીડેન્સીમાં રહેતા ૧૭ વર્ષીય અપૂર્વ દેવેન્દ્રભાઈ ગઢવી ડૂબ્યા હતા.રાત્રિના આશરે ૧૦ઃ૪૫ વાગ્યાના અરસામાં ૧૧૨ નંબર પરથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે ભોરારા નજીક આવેલી નર્મદા કેનાલમાં બે વ્યક્તિઓ ડૂબ્યા છે. આ બાતમી મળતાની સાથે જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તો બીજીતરફ બનાવની ગંભીરતાને જોતા મુન્દ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, સામાજિક આગેવાન રામભાઈ ગઢવી, રતનભાઇ ગઢવી અને રણમલભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની હાજરીમાં આશરે ત્રણ કલાક સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ અંતે બંને યુવાનોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ભુજ ફાયર વિભાગના ડીસીઓ ભગતસિંહ જાડેજા અને જગદીશ દનીચાના માર્ગદર્શન હેઠળ ફાયરમેન પ્રતીક મકવાણા, રફીક ખલીફા, જય ઠક્કર અને દક્ષ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી આ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. રાત્રિના અંધકાર વચ્ચે ચાલેલી આ કામગીરી દરમિયાન વાતાવરણ ગમગીન બની ગયું હતું. બે કુમળી વયના આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા મુન્દ્રા પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે.

Comments