Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં મનપાનું મેગા ડિમોલિશન યથાવત

06 February



ઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીના ૨૪૫ દબાણોનો સફાયો

શહેરને સુંદર અને દબાણમુક્ત બનાવવા કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ૫ જેસીબીની મદદથી સપાટો; ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર તૈનાત



ગાંધીધામ : ગાંધીધામ શહેરને સુંદર, સ્વચ્છ અને રળિયામણું બનાવવાના સંકલ્પ સાથે મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની એક વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મનપા કમિશનર શ્રી મનીષ કુરવાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા માટે ‘મેગા ડિમોલિશન’ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
૨૪૫ દબાણો પર ફરી વળ્યું જેસીબી આજની કામગીરીમાં ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના વ્યસ્ત માર્ગ પર વર્ષોથી જામી ગયેલા કાચા-
પાકા ૨૪૫ જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી માટે ૫ જેસીબી મશીનો અને મોટા કાફલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તા પર નડતરરૂપ કેબિન, હોર્ડિંગ્સ અને ગેરકાયદે બાંધકામો દૂર થતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
આ ઓપરેશન દરમિયાન મનપાના ડેપ્યુટી કમિશનર મેહુલભાઈ દેસાઈ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી અને કરણભાઈ ધુંવા હાજર રહ્યા હતા. ઉપરાંત, ય્ડ્ઢછ (ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી) માંથી ગાયત્રીબેન ગુપ્તા અને મનોજભાઈ ટીક્યાંની સહિતના અધિકારીઓએ સ્થળ પર રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
કમિશનર મનીષ કુરવાણીએ જણાવ્યું હતું કે શહેરને દબાણ મુક્ત અને ટ્રાફિક મુક્ત બનાવવાની આ કવાયત સતત ચાલુ રહેશે. ગાંધીધામને એક આદર્શ અને વ્યવસ્થિત શહેર તરીકે વિકસાવવા માટે વહીવટી તંત્ર મક્કમ છે. આજની આ મેગા ડ્રાઈવથી ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

...........



એકતરફ દબાણ હટાવવાની કામગીરી, બીજી તરફ ટ્રાફિક જામ : ટ્રાફિક પોલીસ- ટીઆરબી જવાનોની કામગીરી સામે લોકોમાં રોષ


ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઓસ્લો સર્કલથી કોટેશ્વર માર્ગ સુધી હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની મેગા કામગીરી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરીને કારણે સામાન્ય જનતાને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કોટેશ્વર માર્ગ ઉપર જ્યારે જેસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સુરક્ષા અને કામગીરીની સરળતા માટે રસ્તાની એક બાજુનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પરિણામે તમામ ટ્રાફિકને બીજી તરફના સિંગલ પટ્ટી રોડ પર વાળવામાં આવ્યો હતો. સાંકડા રસ્તા પર વાહનોનો ભારે ધસારો વધતા આખા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ટ્રાફિકના આ વિકટ સંચાલન વચ્ચે સ્થળ પર હાજર ટીઆરબી જવાનો ટ્રાફિક હળવો કરવામાં નિષ્ફળ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે ટીઆરબી જવાનોનું નબળું સંચાલન જનતા માટે ટીકાનું કારણ બન્યું હતું. યોગ્ય ડાયવર્ઝન કે આગોતરા આયોજનના અભાવે વાહનચાલકો કલાકો સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી.તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી આવકાર્ય છે, 
પરંતુ તેના કારણે સામાન્ય જનતાના મુસાફરીના સમયનો ભોગ લેવાય તે કેટલું યોગ્ય? તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ.

........

ગાંધીધામ મનપાનું ‘મિશન ક્લીન’ઃ આઇકોનિક રોડના નિર્માણ માટે કાચા-પાકા દબાણો દૂર કરાયા


ગાંધીધામ : ગાંધીધામ શહેરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ‘આઇકોનિક રોડ’ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે આજે ઓસ્લો સર્કલથી આગળના માર્ગ પર મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીના ભાગરૂપે મનપા દ્વારા અગાઉ જ માર્ગ પરના કેબિન ધારકોને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. નોટિસની હકારાત્મક પ્રતિક્રિયા આપી ઘણા કેબિન ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે, આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આજે મનપાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધર્યું હતું.ગાંધીધામ મનપાના ડેપ્યુટી કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “આઇકોનિક રોડના નિર્માણમાં 
અવરોધરૂપ બનતા અંદાજે ૨૪૫ જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. પોલીસ તંત્રને સાથે રાખીને પારદર્શી રીતે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેથી શહેરને આધુનિક અને સુવિધાજનક માર્ગ મળી રહે.”


..........

“ગૌરવ પથમાં અમારો સાથ, પણ ગરીબોની રોજીરોટીનું શું?” - કેબિન એસો. પ્રમુખ દેવજીભાઈ



દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે માનવીય અભિગમની માંગઃ કેબિન ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને કરી વિનંતી 

ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઓસ્લો સર્કલ પાસે ‘આઇકોનિક રોડ’ અને ‘ગૌરવ પથ’ બનાવવાની કામગીરીના ભાગરૂપે જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તે અંગે કેબિન એસોસિએશનના પ્રમુખ શ્રી દેવજીભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે વિકાસની કામગીરીને આવકારવાની સાથે નાના ધંધાર્થીઓના હિત માટે તંત્ર પાસે સંવેદનાની અપીલ કરી છે.  દેવજીભાઈએ જણાવ્યું હતું કે, “નગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યો છે તે શહેરના વિકાસ માટે જરૂરી છે અને અમે તે કામગીરીમાં તંત્રને પૂરો સહકાર આપવા સહમત છીએ. શહેર સુંદર બને તે અમારા માટે પણ ગૌરવની વાત છે. પરંતુ, આ કામગીરી દરમિયાન જે નાના કેબિન ધારકો અને ધંધાર્થીઓના દબાણો હટાવવામાં આવ્યા છે, તેમની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તંત્રએ વિકાસની સાથે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવવો જોઈએ. આ નાના ધંધાર્થીઓ પોતાના પરિવારનું ગુજરાન આ કેબિનો દ્વારા ચલાવે છે, તેથી તંત્ર આ તમામ અસરગ્રસ્તો માટે કોઈ ‘વૈકલ્પિક વ્યવસ્થા’ અથવા યોગ્ય જગ્યાની ફાળવણી કરે તેવી અમારી નમ્ર વિનંતી છે. વિકાસની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના રોજગારનું પણ જતન થાય તે દિશામાં મહાનગરપાલિકા હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.


........

Comments

COMMENT / REPLY FROM