Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકામાં દશ અબજના રવિપાકની ધારણા

05 February



રાપર - કચ્છઉદય : વાગડ વિસ્તારના રાપર તાલુકાના ૯૭ ગામ અને ૨૬૦ જેટલી વાંઢ વિસ્તાર તથા ખડીર વિસ્તાર  ખેતી આધારિત છે. આ તાલુકામાં કોઈ ઈન્ડસ્ટ્રીઝ એરિયા નથી કે નથી કોઈ લોકોને આવકનું સાધન ત્યારે બે દાયકા અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે કચ્છના દિવા સ્વપ્ન સાકાર કરવા માટે કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને ખેતી વાડી માટે પાણી લાવી કચ્છને નંદનવન બનાવવા માટે  બીડું ઝડપ્યું હતું, જે કામ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમા ચૌદ વર્ષ અગાઉ પુરુ કરી કચ્છની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર વહેતા કર્યા હતા. છેલ્લા દોઢ દાયકાથી રાપર તાલુકાના ૩૯ ગામોના પાદરમાંથી મુખ્ય કેનાલના પાણી વહી રહ્યા છે તો લગભગ ગામોમાં ખેડુતો પોતાના સ્વખર્ચે લીંક તથા પાઇપ લાઇન દ્વારા પાણી લઈ બારેમાસ ખેતરમાં વાવણી કરી રહ્યા છે.
 રાપર તાલુકામાં છેલ્લા દોઢ દાયકામાં ખેડુતો ખમતીધર બની ગયા છે તો ભાગીદારીમાં ખેતરનું વાવેતર કરતા ભાગીયા પણ દર વર્ષે આઠ - નવ લાખની આવક મેળવી રહ્યા છે. રાપર તાલુકામાં નર્મદા કેનાલ પર અંદાજે દર શિયાળામાં છ થી સાત હજાર એન્જીન દ્વારા પાણી સિંચી ખેતી કરવામાં આવે છે. શિયાળા, ઉનાળા અને ચોમાસા એમ સિઝન પ્રમાણે ખેડૂતો ઉપજ લઈ રહ્યા છે. હાલ રાપર તાલુકામાં એક એકર જમીનનો ભાવ છ લાખથી તેર લાખ સુધીનો છે. દરરોજ રાપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં પચાસથી વધુ દસ્તાવેજ બને છે. રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીના જણાવ્યા અનુસાર આ વર્ષે રાપર તાલુકામાં રવિ પાકનું વાવેતર કરાયું છે, જેમાં જીરું ૪૨૧૫૦ હેક્ટરમાં, ઘઉં  ૮૨૩૫ હેક્ટરમાં, ચણા ૫૮૦ હેક્ટરમાં, રાયડો ૯૪૬૦ હેક્ટરમાં,ધાણા હેક્ટર હેક્ટરમાં, ઇસબગુલ ૩૯૩૫ હેક્ટરમાં, શાકભાજી ૬૪૦ હેક્ટરમાં, ઘાસચારો, ૬૮૨૦ હેક્ટરમાં, અજમો ૧૧૮ હેક્ટરમાં મળી કુલ ૭૬૧૮૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. 
એક એકરમાં વીસ કિલોના મણના હિસાબે જીરુંનું ઉત્પાદન પંદરથી સોળ મણ થાય છે. એટલે રાપરમાં સવા લાખ એકરમાં જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે રાપર તાલુકામાં સાડા સાત અબજથી વધુની ઉપજ માત્ર જીરું જ કરશે તો અન્ય ઉત્પાદન પણ અઢીથી ત્રણ અબજની થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. વાગડ વિસ્તારમાં દરેક ખેડૂત અત્યારે ત્રણથી ચાર વાહનોના માલિક છે અને દર વર્ષે રાપર તાલુકામાં દોઢ સો જેટલા ફોર વ્હીલર વાહનો આવે છે તો પંદર સો જેટલા ટુ વ્હીલર વાહનોની ખરીદી રાપર તાલુકામાં થાય છે. આમ ખેતી આધારિત રાપર તાલુકામાં નર્મદાના નીર થકી અનેક ધંધા-રોજગાર વધી રહ્યા છે. મુખ્ય મથક રાપર શહેરમાં દુકાનોના ભાવ પચાસ લાખથી સવા કરોડ રૂપિયામાં વેચાણ થાય છે તો રેસિડેન્ટ મકાન પણ ત્રીસ લાખથી નેવું લાખમાં વેચાણ થઈ રહ્યા છે. ગામડામાં પણ જમીન - મકાનમાં તેજી આવી છે. રાપર તાલુકો  દુબઈને પણ ટક્કર મારે એવી ઉપજ લઈ રહ્યો છે. રવિપાક દશથી બાર અબજ, ઉનાળામાં બેથી ત્રણ અબજ, ચોમાસામાં છ અબજની ઉપજ થાય છે આમ દર વર્ષે રાપર તાલુકામાં માત્ર ખેતી દ્વારા અઢાર - વીસ અબજની આવક મેળવી રહ્યું છે. આમ ખરા અર્થમાં વાગડ સૌથી આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં મુંબઈને પણ ટક્કર મારે એ દિવસો દુર નથી.
--------

Comments

COMMENT / REPLY FROM