Trending News
સ્થાનિક સમાચાર

સૂર્યની સપાટી પર પૃથ્વી કરતાં અનેકગણું વિશાળ સનસ્પોટ દેખાતાં ખગોળ પ્રેમીઓમાં કુતૂહલ

05 February



ભુજ - કચ્છઉદય : ભુજ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે સૂર્યની સપાટી પર એક રહસ્યમય કાળો ડાઘ દેખાતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું છે. આ અંગે અનેક જિજ્ઞાસુઓએ ’સ્ટારગેજીંગ ઈન્ડિયા’ સંસ્થાનો સંપર્ક સાધતા વિજ્ઞાનીઓએ આ ઘટના અંગે ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. ખગોળશાસ્ત્રીઓના મતે સૂર્ય પર દેખાતો આ ડાઘ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ તે સૂર્યની સપાટી પર સર્જાયેલું એક પ્રચંડ ચુંબકીય તોફાન છે, જેને વૈજ્ઞાનિક પરિભાષામાં સનસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. આ સનસ્પોટનું કદ એટલું વિશાળ છે કે તેમાં પૃથ્વી જેવા અનેક ગ્રહો સમાઈ શકે તેમ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ સનસ્પોટ વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતા આશરે ૧૦ થી ૧૫ ગણો મોટો છે. આ સનસ્પોટનું માત્ર મુખ્ય કાળું કેન્દ્ર જ પૃથ્વી કરતાં બમણી પહોળાઈ એટલે કે અંદાજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ કિલોમીટર ધરાવે છે, જ્યારે સમગ્ર સનસ્પોટ સમૂહ સૂર્યની સપાટી પર ૧,૨૫,૦૦૦ કિલોમીટરથી વધુના વિસ્તારમાં પથરાયેલો છે.
આ ખગોળીય ઘટના માત્ર દ્રશ્યમાન આશ્ચર્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર પૃથ્વી પર પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સનસ્પોટ  માંથી હાલમાં જ અત્યંત શક્તિશાળી સૌર જ્વાળાઓ છૂટી પડી છે. આ ઉર્જાના પ્રચંડ વિસ્ફોટને કારણે આગામી ૪૮ કલાકમાં પૃથ્વી પર જીઓમેગ્નેટિક સ્ટોર્મ એટલે કે ભૂ-ચુંબકીય તોફાન આવવાની પ્રબળ શક્યતા છે. જો આ તોફાન તીવ્ર બનશે તો પૃથ્વી પરની હાઈ-ફ્રિકવન્સી રેડિયો સેવાઓ, જીપીએસ સિસ્ટમ અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઈટ આધારિત સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. 
આ ગંભીર ખગોળીય ઘટના અંગે સાવચેતીના પગલાં સૂચવતા સ્ટારગેજીંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે, ભલે સૂર્યાસ્ત સમયે સૂર્યની તેજસ્વીતા ઓછી લાગતી હોય, પરંતુ તેને નરી આંખે જોવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સૂર્યમાંથી નીકળતા હાનિકારક પારજાંબલી અને ઇન્ફ્રારેડ કિરણો આંખના પડદાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી અંધાપો આવવાનું જોખમ રહે છે. ખગોળ પ્રેમીઓને અપીલ કરવામાં આવી છે કે સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા ખાસ પ્રકારના સોલર ગોગલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય ચશ્મા કે ટેલિસ્કોપથી સીધું જોવું તે આંખો માટે અત્યંત ઘાતક નીવડી શકે છે.
------------- 

Comments

COMMENT / REPLY FROM