લાખોના વિદેશી દારૂ સાથે થરાદમાંથી કચ્છનો આરોપી ઝડપાયો
સ્કોર્પિયો ગાડીમાં લવાતો ૭.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજ - કચ્છઉદય : બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલ માટે હાથ ધરાયેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા વાવ - થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના મુજબ એસઓજી પીઆઇ એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જાંણદી ગામની સીમમાં ભારતમાલા સર્વિસ રોડ પર પેટ્રોલીંગ અને ચેકિંગમાં હતો. આ દરમિયાન સાંચોર તરફથી આવતી એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્કોર્પિયો ગાડી જીજે ૦૯ બીડી ૧૩૬૦માંથી વિદેશી દારૂની કુલ ૧૪૧૬ બોટલો કિંમત રૂ.૨,૮૯,૨૪૮નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે ૫,૦૦,૦૦૦ની કિંમતની સ્કોર્પિયો ગાડી અને ૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૭,૯૪,૨૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વર્માનગરના રહેવાસી પ્રવિણસિંહ લાખાજી સોઢા (ઉંમર વર્ષ ૪૨) નામના શખ્સની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેના આધારે પોલીસે કુલ ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી વિસ્તારમાં નશાબંધીના કાયદાના ઉલ્લંઘન સામે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Comments