ભુજના દ્વિધ્ધામેશ્વર મહાદેવ મંદિર ખાતે વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ભુજ - કચ્છઉદય : શહેરના જિલ્લા સેવા સદન નજીક આવેલા પ્રાચીન સ્વયંભૂ દ્વિધ્ધામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્થિત વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માઘ સુદ નોમના શુભ દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
દેવી ભાગવત કથાનું આયોજન થયું હતું ત્યારથી વાઘેશ્વરી માંની સાથે શીતળા માં અને ગાયત્રી માંની પણ સ્થાપના કરાઈ છે. આ પાટોત્સવનું આયોજન વર્ષ ૨૦૦૪થી સતત પરંપરાગત રીતે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સવારના સમયે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવનવિધિ કુલદીપ મહારાજ દ્વારા કરાવવામાં આવી હતી. સાંજના સમયે માતાજીના સાનિધ્યમાં મહિલા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવથી ગુંજતા ગરબા અને માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયું હતું. આ પાટોત્સવના પાવન અવસરે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેવું મંદિરના પૂજારી હરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
----------

Comments