Trending News
સ્થાનિક સમાચાર

ટી-૨૦ વર્લ્ડ કપ :કચ્છમાં સટ્ટાબજારમાં આગોતરો સળવળાટ 

04 February



૭ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની યજમાનીમાં શરૂ થશે ફટાફટ ક્રિકેટનો મહાકુંભ : આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં ટીમ ઇન્ડિયા ફેવરિટ : રીઢા સટ્ટોડીયાઓ ’ખાખી’ સાથે સેટિંગ માટે થયા દોડતા 


ભુજ - કચ્છઉદય : આગામી સાતમી ફેબ્રુઆરીના ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વૈશ્વિક મહાકુંભની શરૂઆતના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં બુકીઓ અત્યંત સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ હોવાથી ભુજ, ગાંધીધામ, અને માધાપર જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર સટ્ટો રમાડતા પંટરોનું નેટવર્ક તેજ બન્યું છે. સટ્ટા બજારના વર્તમાન પ્રવાહો મુજબ ભારતીય ટીમને હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. હોમ ગ્રાઉન્ડનો ફાયદો અને ટીમમાં રહેલા સંતુલિત ખેલાડીઓને કારણે બુકીઓ ભારત પર મોટો દાવ લગાવી રહ્યા છે.
કચ્છમાં સટ્ટાખોરો હવે પોલીસથી બચવા માટે આધુનિક ટેકનોલોજી અને ઓનલાઈન આઈડીનો સહારો લઈ રહ્યા છે. હાઈ-ટેક ગેજેટ્‌સ અને લક્ઝરી ગાડીઓમાં બેસીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરોડોના સોદા કરવામાં આવતા હોય છે. એક તરફ કચ્છના ક્રિકેટ રસિકો ટી-૨૦ વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ છે. અગાઉના વર્ષોમાં પકડાયેલા રેકેટ્‌સને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા અને નાણાકીય વ્યવહારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ક્રિકેટના તજજ્ઞો અને વિશ્લેષકો પણ આ વખતે ભારતની જીતની સંભાવનાઓને વધુ મજબૂત માની રહ્યા છે. પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે જસપ્રીત બુમરાહ જેવા ઘાતક બોલરો અને હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર ટીમની તાકાત છે. રવિ શાસ્ત્રી અને માઈકલ વોન જેવા નિષ્ણાતોએ પણ ભારતને સેમીફાઈનલની રેસમાં સૌથી આગળ રાખ્યું છે. જોકે, ઓસ્ટ્રેલિયાની દબાણ હેઠળ રમવાની ક્ષમતા અને ઈંગ્લેન્ડના આક્રમક બેટિંગ લાઇન-અપને કારણે સ્પર્ધા અત્યંત રોમાંચક બનવાની ધારણા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ તેના તાજેતરના ફોર્મને જોતા કોઈ પણ મોટી ઉલટફેર કરવા માટે સક્ષમ જણાય છે. સટ્ટા બજારમાં અત્યારે જે રીતે ભારતનો દબદબો દેખાઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં આ રોમાંચ હજુ વધશે તે નક્કી છે.


.........

Comments

COMMENT / REPLY FROM