કંડલા બંદર પર માલની ઓછી ડિલિવરી બદલ એમવી નિકેટોર જહાજની અટક
ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે
વડોદરાની કંપનીના રૂ. ૨.૮૯ કરોડના દાવા મામલે કંડલાના પોર્ટ અને કસ્ટમ્સ વિભાગને જહાજ જપ્ત કરવા અદાલતે આપી સૂચના
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છનું પ્રવેશદ્વાર ગણાતા કંડલા બંદર પર ગુજરાત હાઈકોર્ટના આદેશથી એક મોટા જહાજની અટકાયત કરવામાં આવતા શિપિંગ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. વડોદરાની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કરવામાં આવેલા દાવા બાદ અદાલતે આ કડક કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ કચ્છના દીનદયાળ પોર્ટ એટલે કે કંડલા બંદર ખાતે લાંગરેલા એમવી નિકેટોર નામના બલ્ક કેરિયર જહાજને જપ્ત કરવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. વડોદરા સ્થિત નંદેસરી ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જહાજ સામે દરિયાઈ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનો આક્ષેપ છે કે ઓમાનના સોહાર બંદરથી મંગાવવામાં આવેલો જથ્થો જ્યારે કંડલા બંદરે ઉતારવામાં આવ્યો ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ મામલે ન્યાયમૂર્તિ એન. આર. મહેતાએ જહાજને અન્ય આદેશ ન થાય ત્યાં સુધી કંડલા બંદરે જ રોકી રાખવા અને તેની અટકાયત કરવા માટે પોર્ટ ઓફિસર તથા કસ્ટમ્સ સત્તાવાળાઓને ઈમેલ દ્વારા તાકીદ કરી છે.
વડોદરાની કંપનીએ ઓમાનથી અંદાજે ૯,૮૦૦ મેટ્રિક ટન બ્રાઈટ યલો ક્રૂડ સલ્ફેટનો જથ્થો મંગાવ્યો હતો. જહાજના કેપ્ટન દ્વારા આપવામાં આવેલી પહોંચ મુજબ માલ પૂરેપૂરો હોવાનું જણાવાયું હતું, પરંતુ ગત ૨૮ જાન્યુઆરીના રોજ જ્યારે કંડલા બંદરે માલનું વજન કરવામાં આવ્યું ત્યારે તેમાં ૪૦૭.૩ મેટ્રિક ટન જેટલો જથ્થો ઓછો માલૂમ પડ્યો હતો. આ ઓછી ડિલિવરીના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જણાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો જહાજ માલિકો અથવા જવાબદાર પક્ષ અદાલતમાં કુલ રૂ. ૨,૮૯,૬૩,૦૨૨ જમા કરાવે તો જ આ જપ્ત કરવાની કાર્યવાહી રોકી શકાશે. આ રકમમાં માલની કિંમત, કસ્ટમ ડ્યુટી, ટેક્સ અને કાયદાકીય ખર્ચનો સમાવેશ થાય છે. કોર્ટે જહાજના એન્જિન, મશીનરી અને ઉપકરણો સહિત તમામ મિલકત જપ્ત કરવા માટે રજિસ્ટ્રારને વોરંટ ઈસ્યુ કરવા નિર્દેશ આપ્યો છે. હાલમાં આ જહાજ કંડલા બંદરની ભારતીય જળસીમામાં જ છે અને અદાલતે આ કેસની વધુ સુનાવણી ૬ ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે. કચ્છના બંદરીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં આ કેસ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Comments