મુંદરામાં પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
રંગલા પંજાબ હોટલ પાછળ દરોડો પાડી મુંદરા પોલીસે ૨૫૦ લિટર ડીઝલ કબજે કર્યું
મુંદરા - કચ્છઉદય : મુંદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક અને મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ આલાભાઈ રબારીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસને મળેલી સચોટ બાતમી મુજબ, મુંદરાની રંગલા પંજાબ હોટલમાં રહેતા અજયપાલ સુચાસિંગ જાટ નામના શખ્સે પોતાની પાસે કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા વગરનો ડીઝલનો જથ્થો રાખ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ૨૧ વર્ષીય આરોપી અજયપાલ જાટ ૨૫૦ લિટર ડીઝલના જથ્થા સાથે મળી આવ્યો હતો. આ જથ્થો રંગલા પંજાબ હોટલની પાછળ આવેલા રૂમમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે અંદાજે ૨૨,૫૦૦ રૂપિયાની કિંમતનું આ ડીઝલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી. ગોસ્વામી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Comments