મીરઝાપર કુમાર શાળાના તકલાદી બાંધકામ મુદ્દે જવાબદારો સામે ફોજદારી કરવા માંગ
ભુજ - કચ્છઉદય : મિરજાપર કુમાર શાળાની બિલ્ડીંગનું બાંધકામ એકાદ વર્ષ પૂર્વે પૂરૂં થયું છે. પરંતુ તકલાદી અને હલકી ગુણવત્તાનું બાંધકામ હોેવાથી શાળાના આચાર્ય બહેન દ્વારા બિલ્ડીંગનો કબજો લેવામાં આવેલ નથી. તકલાદી બાંધકામ સંદર્ભે વખતો વખત શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવેલ નથી. ભવિષ્યમાં બિવ્ડિંગમાં અભ્યાસ કરનાર બાળકોના ભવિષ્ય અને જીવન સાથે ચેડાં કરવામાં આવેલ છે.
બિલ્ડીંગનો કબજો લેવા માટે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારી દ્વારા આચાર્ય બહેન પર દબાણ ઊભું કરવામાં આવેલ પરંતુ આચાર્ય બહેન દ્વારા શાળાનો કબજો લેવા ઇનકાર કરવામાં આવતા અને શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીનું દબાણ કામ ન આવતા જિલ્લા વિકાસ અધિકારી સુધી લઈ જઈને આચાર્ય બેન પર શાળાનો કબજો લેવા દબાણ ઊભું કરવામાં આવેલ જે એક પ્રકારની અધિકારીઓની દાદાગીરી અને તાબાના કર્મચારીઓને દબાવવાની નીતિ રહેલ છે. આચાર્ય બહેનનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા થયેલ અપમાન અને અશોભનીય વર્તન ને વખોડીએ છીએ. સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં જરૂરિયાત હોય ત્યાં શાળાઓના ઓરડાઓ અને અન્ય ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે નાના કર્મચારીઓ પર દાદાગીરી કરી કમ્પલીશન સર્ટી મેળવવા ટોર્ચર કરવામાં આવી રહ્યા છે જેને કચ્છ જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સેલ ગાંધીનગર સચિવાલયમાં રજૂઆત કરીને વખોડે છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાનું બાંધકામએ સિવિલને લગતો વિષય હોય શાળાના આચાર્યનો કમ્પ્લીસન સર્ટીનો આગ્રફ શા માટે રાખવામાં આવે છે, બાંધકામ એસએસએના એન્જિનિયર, સુપરવાઈઝર અને થર્ડ પાર્ટીના ઇન્સ્પેક્શનમાં થતું હોવા છતાં શાળાના આચાર્યને કમ્પ્લીસન સર્ટી માટે શા માટે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે, બાંધકામ નબળું હોય અને ક્વોલિટી કંટ્રોલ દ્વારા કે અન્ય એજન્સીઓ દ્વારા શાળાનું બાંધકામ નબળું જણાય તો એસએસએ ના એન્જિનિયર, સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર અને ચેકમાં સહી કરનાર અધિકારી સામે શા માટે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, જવાબદાર આચાર્ય દ્વારા જ્યારે લેખિતમાં નબળા બાંધકામ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવતું હોય ત્યારે તે આચાર્યની ફરિયાદને કોના ઇશારે સાઈડ લાઈન કરવામાં આવે છે ? તેમજ ભુજ તાલુકાના મિરજાપર સહિત કચ્છ જિલ્લામાં છેલ્લા ૧૫/ ૨૦ વર્ષમાં થયેલ શાળાઓના ઓરડા અને બાંધકામની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર એસએસએના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અને કવોલિટી કન્ટ્રોલના જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
------

Comments