રાપરમાં જમીન ખાલી કરવા મુદ્દે માથાભારે શખ્સોએ ધાક ધમકી કરી
જમીનની ફરતે બનાવેલી દિવાલ તોડી દેવાઈ : મામલો પોલીસ દફતરે
ગાંધીધામ - કચછઉદય : રાપરમાં પ્રાગપર ચોકડી પાસે આવેલ સર્વે નંબર ર૭ર/ર વાળી જમીનની માથાકુટ મુદે ધાક ધમકી કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ હરિભાઈ ભ્રાસડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને સાહેદોના સંયુક્ત નામે જમીન આવેલી આ જમીન પર આરોપીઓએ ગેરકાયદે પ્રવેશ કરી જમીનની ફરતે ઉત્તર દિશામાં બનાવેલી દિવાલ તોડી રપ હજારનું નુકશાન કર્યું હતું. આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને ગાળો પણ આપી હતી. તેમજ હાથમાં લાકડી અને ધોકા બતાવી ધમકી આપી હતી. જેથી કાનમેરના મંગાભાઈ સુજાભાઈ ગોહિલ, રાપરના વિશન ઉર્ફે ભોલો દેવજી મેરિયા, પિછાણા બાદલપરના રતિલાલ બાબુ કોલી સામે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીના કહેવા મુજબ ત્રણેય જણા માથાભારે હોઈ ફરિયાદીને બીક લાગતા જે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી. બાદમાં લોકોએ સમજાવવાની કોશિષ કરી અને જમીન પરથી હટી જવાનું વારંવાર કહેવા છતાં આજદિન સુધી જમીન ખાલી કરવામાં આવી ન હતી. તેમજ ઝઘડો કરી ખોટા કેસમાં ફીટ કરી દેવાની વાતો કરવામાં આવતા જમીનનો કબ્જો ખાલી કર્યો ન હોવાથી રાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

Comments