સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" નું પ્રકાશન કરાયું
આ ગ્રંથને સીએમ - પીએમ અને મહંત સ્વામી મહારાજે પણ શુભેચ્છા સંદેશો આપીને વધાવ્યો
ભુજ - કચ્છઉદય : સાધુતાની મૂર્તિ સદ્દગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયાદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ઉપર આપણી યુવાપેઢી સમજી શકે તે માટે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.
આ ગ્રંથને ગુજરાતના સી.એમ.થી માંડીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના સૌ રાજકીય મહાનુભાવોએ શબ્દોથી વધાવ્યો છે. બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંતસ્વામી મહારાજ તથા અનેક મહામંડલેશ્વરો, સાહિત્યકારો, કાશી અને જગન્નાથપુરીના વિદ્વાનોએ પણ આ ગ્રંથ ઉપર પ્રશંસાનાં પુષ્પોથી અભિષેક કર્યો છે એવો આ “શિક્ષાપત્રી મંથન ગ્રંથ" અદ્દભૂત છે.
આ ગ્રંથ અંગે સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી ગ્રંથમાંથી અમોએ આ ગ્રંથમાં અલગ અલગ ૨૫ વિષયોના વિભાગો પાડ્યા છે. જેથી વાંચકને તે સમજવામાં સાનુકૂળતા વિશેષ રહે. આ દરેક વિભાગના ચિત્રો પણ બનાવ્યા છે. જેથી સમજવામાં સરળતા રહે અને દરેક વિષયની અંદર હિન્દુ ધર્મના ગ્રંથોના આધારભૂત અંશો પણ રજૂ કર્યા છે. સાથે - સાથે મહાપુરુષોના જીવનના અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગો આલેખાયેલા છે. જેથી વાચકને તરત જ યાદ રહી જાય. અને શિક્ષાપત્રીનું ગૂઢ જ્ઞાન પણ સરળ રીતે સમજી શકાય. આ "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" માં નૈતિક સદાચાર, ધર્મ-આચરણ, સત્સંગીના નિત્ય કરવાના કર્મ, વ્યવહારિક નીતિ, સામાજિક - વ્યવસાયિક નીતિ, ગૃહસ્થોએ રાખવાની મર્યાદા, વ્યસન મુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા ધર્મ, જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ , જીવ-માયા-ઈશ્વર, સત્સંગી - સાધુ - સ્ત્રીઓ, બ્રહ્મચારી આદિના ધર્મો એવા ૨૫ પ્રકરણો પાડવામાં આવેલા છે.
આ "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" ઉપર સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેવી આ ગ્રંથ ઉપર ૧૯થી વધુ દરેક ક્ષેત્રના મહાનુભાવોએ આ ગ્રંથ ઉપર પોતાના મંતવ્યો પણ આપ્યા છે. જે આ ગ્રંથમાં અંકિત કરવામાં આવ્યા છે. કુમકુમ સંસ્થા તરફથી આ "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" નો સૌ લાભ લઇ શકે તે માટે સંસ્થા દ્વારા ગ્રંથ ઉપર પડતર કિંમતમાં ૭૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રંથોના મહાત્મ્ય અંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યુ હતું કે, શાસ્ત્રો એટલે જ્ઞાનની હોમડીલીવરી. શાસ્ત્રો એ ઘરબેઠાં ગંગાનુ કાર્ય કરે છે. તેથી સમય કાઢીને ગ્રંથો અવશ્ય વાંચવા જોઇએ.
આજના યુવાનોને જેટલો ફેસબુકમાં રસ છે, એટલો ધાર્મિક બુકમાં એ રસ કેળવે તો એમનું જીવન ઉન્નત બની જાય. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પુસ્તકો - ગ્રંથો આવશ્યક છે. ગાંધીજી નિત્ય ગીતા વાંચતા હતા. તેઓ કહેતા હતા કે, હું જ્યારે જ્યારે મુકેલીમાં ફસાઈ જાઉં ત્યારે ગીતા લઈને બેસું તો મને તેમાંથી સાચો માર્ગ મળી જતો. તેથી જીવનમાં શાસ્ત્રો નિત્ય વાંચવા જોઇએ. શ્રીમંત બનવું છે ? ધંધો કરવો જરૂરી છે. વિદ્વાન બનવું છે ? ભણવું જરૂરી છે. પહેલવાન બનવું છે? કસરતો કરવી જરૂરી છે. ક્રિકેટર બનવું છે ? નિત્ય મેદાનમાં જઇને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જીવતા રહેવું છે ? શ્વાસ લેવો જરૂરી છે. જીવતા રહેવું સ્વામિનારાયણ ભગવાને આપેલા સિદ્ધાંતોને સમજવા છે તો "શિક્ષાપત્રી મંથન ગ્રંથ" વાંચવો અને વિચારવો અનિવાર્ય છે.
------

Comments