Trending News
સ્થાનિક સમાચાર

લખપતના માતાનામઢ સહિતના ૧પ ગામોમાં પાણીની અછત સર્જાતા ગ્રામજનો દ્વારા તાળાબંધી

29 January


નખત્રાણા - કચ્છઉદય : લખપત તાલુકાના માતાનામઢ કોટડા (મઢ), ભાડરા, આશાપર, મુરચબાણ, કંઠોળા સહિતના ૩ ગ્રામ પંચાયત હેઠળ ૧પ જેટલા ગામો - વાંઢોમાં ૧પ દિવસથી પાણી ન મળતાં આખરે ગ્રામજનોએ દયાપર પાણી પુરવઠા કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવાયો હતો. 
માતાનામઢ ગ્રામ પંચાયત સરપંચ કાસમભાઈ કુંભારે ‘કચ્છઉદય’ સાથે વાત કરતાં કહ્યું કે, ૩ ગ્રામ પંચાયતમાં ૧પ જેટલા ગામોમાં છેલ્લા ૧પ દિવસથી પાણી મળતું નથી. આ બાબતે નર્મદાની કચેરી અંજાર સહિત અનેક રજૂઆત કરી હતી. પરંતુ સમસ્યા ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના સરપંચો, અગ્રણીઓએ દયાપર પાણી પુરવઠા કચેરીને તાળાબંધી કરી હતી. જો પાણી નિયમિત નહીં મળે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઈ જલદ કાર્યક્રમો આપશે. લખપત તાલુકામાં ભર શિયાળે પાણીની તંગી સર્જાઈ છે. પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી છે, તેના પાછળ નર્મદાના સમ્પમાં પાણી ભરાતું નથી અને ઉપરથી જ પાણીનો કાપ છે તેવું જાણવા મળ્યું છે. તાળાબંધી કાર્યક્રમમાં માતાનામઢ સરપંચ કુંભાર કાસમભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈભ્રરામ કુંભાર, હુસેનભાઈ રાયમા, આદમભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 
-----

 

Comments

COMMENT / REPLY FROM