નખત્રાણામાં દબાણો સામે તંત્ર ઘુંટડીયે : અતિક્રમણ વિરોધી તવાઈ પર એકાએક બ્રેકથી સર્જાયા સવાલો!
પ્રાંત અધિકારી-ન.પા.સીઈઓના કેમ ન લે પુછાણાં.!
દબાણો સામે ગાંધીધામ-ભુજમાં બુલડોજર ફેરવી શહેર-સંકુલને સુંદર બનાવાઈ રહ્યા છે, તો પછી નખત્રાણા નગરપાલીકા અને તેના ચીફ ઓફીસરના હાથ કયાં નબળાં પડી રહ્યા છે? કેમ નખત્રાણામાં દબાણ હટાવાની કામગીરી માત્ર કાગનો વાઘ બનીને સીમીતી રહી ગયો?
વહીવટી તંત્રની ભૂમિકા સામે જનતાના સવાલો અને ‘ચોટીલા મોડેલ’ની અપેક્ષા
ગાંધીધામ-કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની ચાલી રહેલી વ્યાપક ઝુંબેશ વચ્ચે નખત્રાણા તાલુકામાં આ પ્રક્રિયા અચાનક થંભી જતાં સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ગાંધીધામ, ભુજ અને ભચાઉ સહિતના અન્ય વિસ્તારોમાં જે રીતે કડક હાથે કામગીરી કરવામાં આવી હતી તેની સરખામણીએ નખત્રાણામાં પ્રશાસનનું ‘નરમ‘ વલણ ચર્ચાનો વિષય બન્યું છે. વહીવટી તંત્ર જ્યારે અન્ય જગ્યાઓએ આવી કામગીરી કરે છે.
સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજા અને તેના પર થતા દંડની જોગવાઈ અને તંત્ર કોઈ પણ વિલંબ વગર દબાણ હટાવી શકે. નખત્રાણામાં આ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવાને બદલે કામગીરીને ‘રોક’ લગાવી દેવા પાછળ કોઈ રાજકીય કે અન્ય બાહ્ય દબાણ હોવાની આશંકા જનતામાં સેવાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ‘સિંઘમ‘ અંદાજની માંગ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
અને હાલમાં સોશિયલ મીડિયા પર ચોટીલાના પ્રાંત અધિકારીની કાર્યશૈલીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દબાણકારો સામે કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર તેમણે કરેલી કાર્યવાહીએ એક દાખલો બેસાડ્યો છે. ત્યારે નખત્રાણાના નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે અહીંના પ્રાંત અધિકારી પણ તેવી જ નિષ્પક્ષ અને પારદર્શક કામગીરી કરીને ઉદાહરણ રૂપ સાથે ધાક બેસાડતી અને નિયમ અનુસાર કાર્યવાહી કરે. લોકોમાં એવી ચર્ચા છે કે જો એક તાલુકામાં કાયદાનું કડક પાલન થઈ શકતું હોય, તો નખત્રાણામાં વહીવટી શિથિલતા કેમ ? નખત્રાણામાં જ્યારે તંત્ર દ્વારા અડધેથી કામગીરી અટકાવવામાં આવે છે ત્યારે તે દબાણ કરનારા તત્વોના હોંસલા વધારે છે અને સામાન્ય જનતાનો તંત્ર પરથી વિશ્વાસ ડગે છે. હવે જોવાનું એ રહેશે કે નખત્રાણા વહીવટી તંત્ર આગામી દિવસોમાં કાયદાના શાસનને પ્રાધાન્ય આપીને ‘બુલડોઝર’ ફરી ગુંજતું કરે છે કે પછી
પરિસ્થિતિ ‘જૈસે થે’ રહેશે.

Comments