સ્થાનિક સ્વરાજ્યની બેઠકોના નવા રોટેશન જાહેર થતાં રાજકીય ગરમાવો
કચ્છની તાલુકા પંચાયતોના સીટિંગ પ્રમુખો માટે ઘર આંગણે જ ’નો એન્ટ્રી’ જેવી સ્થિતિ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે જ રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ : નવા રોટેશનથી દિગ્ગજ આગેવાનોની બેઠકોનું બદલાયું ચિત્ર : મુખ્ય રાજકીય પક્ષોમાં મુરતિયાઓની શોધખોળ તેજ બની
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે તાજેતરમાં જાહેર થયેલા તાલુકા પંચાયતોની બેઠકોના નવા રોટેશને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બેઠકોના જ્ઞાતિ અને સ્ત્રી-પુરુષ અનામતના નવા રોટેશન જાહેર કરવામાં આવતા જ વર્ષોથી મજબૂત પક્ક્ડ ધરાવતા નેતાઓ માટે હવે નવી જમીન શોધવાની નોબત આવી છે. ખાસ કરીને કચ્છની છ તાલુકા પંચાયતોમાં હાલ સત્તાના સૂત્રો સંભાળતા પ્રમુખોની વર્તમાન બેઠકોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું હોવાથી રાજકીય ગણિતો ઊંધા વળી ગયા છે. ચૂંટણી આડે થોડો જ સમય બાકી હોવાથી રાજકીય પક્ષોએ બંધ બારણે ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કરી દીધું છે. નવા રોટેશનના કારણે કેટલાક આશાસ્પદ ઉમેદવારો માટે લોટરી લાગી છે, તો વળી પાયાના અનેક મુરતિયાઓ માટે આ રોટેશન આશીર્વાદને બદલે નિરાશા લાવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી અત્યાર સુધી સુખપર-૨ની સામાન્ય બેઠક પરથી પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ નવા રોટેશનમાં આ બેઠક હવે સામાન્ય સ્ત્રી કેટેગરીમાં અનામત થઈ જતા તેમને પોતાની જૂની બેઠક છોડવી પડશે. આવી જ રીતે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની વરાળીયા બેઠક જે અગાઉ સામાન્ય હતી, તે હવે અનુસૂચિત જાતિ સ્ત્રી કેટેગરી માટે ફાળવવામાં આવી છે. લખપત તાલુકા પંચાયતની સ્થિતિ પણ કંઈક આવી જ છે, જ્યાં પ્રમુખ દયાબા જશુભા જાડેજા ગુનેરી બેઠક પર સામાન્ય સ્ત્રી તરીકે ચૂંટાયા હતા, પરંતુ હવે આ બેઠક પછાત વર્ગના ફાળે ગઈ છે.
મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાની ભુજપુર-૧ બેઠક અગાઉ સામાન્ય હતી, જે હવે નવા સમીકરણો મુજબ અનુસૂચિત જાતિ માટે અનામત બની છે. માંડવીમાં પ્રમુખ કેવલભાઈ ગઢવી બાડા બેઠક પરથી બક્ષીપંચ અનામત હેઠળ પ્રતિનિધિત્વ કરતા હતા, જે હવે આગામી ચૂંટણી માટે સામાન્ય સ્ત્રી બેઠક તરીકે જાહેર થઈ છે. બીજી તરફ ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રણુભા જાડેજાની કંથકોટ બેઠક, જે ગત ચૂંટણીમાં સામાન્ય હતી, તે હવે આદિજાતિ સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. રાપર તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ બગડા કેસરબેન ગેલાભાઈ રાપર તાલુકા પંચાયતની બેલા બેઠક પરથી ચૂંટાયા હતા. નવા રોટેશનમાં આ બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત કરવામાં આવી છે.આમ, સીટિંગ પ્રમુખો માટે પોતાની જ જૂની બેઠક પર ફરી ચૂંટણી લડવાના દ્વાર બંધ થઈ ગયા છે. આ નવા બદલાવને કારણે હવે દરેક તાલુકામાં જ્ઞાતિગત સમીકરણો અને નવા રોટેશન મુજબ ઉમેદવારોની ગોઠવણ કરવી રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર બની રહેશે.

Comments