Trending News
સ્થાનિક સમાચાર

દુબઈ ખાતે “ગલ્ફ ફૂડ એક્સપો ૨૦૨૬” ની સરહદ ડેરીના ચેરમેને લીધી મુલાકાત મુલાકાત

28 January


સરહદ ડેરીના ગુણવત્તાસભર કેટલ ફીડ અને કેમલ ફીડને હવે આંતરરાષ્ટ્રીય ગલ્ફ માર્કેટમાં પ્રદાન કરવાનો ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ નિર્ણય
   
અંજાર - કચ્છઉદય : હાલમાં તારીખ૨૬ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન દુબઈ ખાતે વિશ્વ ના સૌથી મોટા “ગલ્ફ ફૂડ એક્સપો૨૦૨૬” નું આયોજન થયેલ છે. આ વર્ષે ગલ્ફ ફુડ પ્રથમ વખત દુબઈના બે મેગા-વેન્યૂ - દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને દુબઈ એક્ઝિબિશન સેન્ટરમાં એકસાથે યોજાઈ રહ્યું છે.આ એક્સપો માં વિશ્વભરના ૮૫૦૦થી વધુ પ્રદર્શકો તથા ૧૯૫ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. આ સાથે સરહદ ડેરીના પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનરજી હાજર રહ્યા હતા.
દુબઈ ખાતે શરૂ થયેલ એક્ષ્પોની વલમજીભાઈ એ મુલાકાત લીધી હતી. આ અવસરે અમૂલના સ્ટોલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. લોકો સ્ટોલ અંગે વિગતવાર માહિતી મેળવવા ઉત્સુકતાપૂર્વક પહોંચી રહ્યા હતા. મુલાકાત દરમિયાન નોવેલા આઇસ્ક્રીમ પ્લાન્ટના ચેરમેન ખાલેદ ઇસ્માઇલ અલ મરઝુકી કો-ફાઉન્ડર સાનીજ પી. કે. દ્વારા આઇસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા નોવેલા આઇસ્ક્રીમ પ્લાન્ટની સફળ અને માહિતીસભર મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન નોવેલાના ફાઇનાન્સ હેડ જાસીમ દ્વારા સરહદ ડેરીના ચેરમેનનું ઉષ્માભર્યું સ્વાગત અને સહકાર કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દ્વારા આઇસ્ક્રીમ ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક ટેક્નોલોજી અંગે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી, જે ભવિષ્યમાં સહયોગ અને વિકાસ માટે ઉપયોગી સાબિત થશે.
 આ સાથે દુબઈ ખાતે આયોજિત ગલ્ફ ફુડ એક્ષ્પો દરમિયાન યોજાયેલી મહત્વપૂર્ણ બિઝનેસ મિટિંગમાં સરહદ ડેરી માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનરજી, એફપીઓ પ્રોજેક્ટના સંચાલક અનિલ મહેતા તેમજ દુબઈ સ્થિત જીઆરકેસી ગ્રુપ કંપનીના ભારતીય ડિરેક્ટર અરુણ પિલ્લે અને તેમના ફોરેન પાર્ટનર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હવે સરહદ ડેરીદ્વારા ઉત્પાદન કરવામાં આવતું ગુણવત્તાયુક્ત કેટલ ફીડ અને કેમલ ફીડ, તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ, ગલ્ફ દેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા ગુજરાતના પશુપાલન ક્ષેત્રને વૈશ્વિક બજારમાં નવી ઓળખ મળશે અને રાજ્યના પશુપાલકો માટે નવા અવસરોના દ્વાર ખુલશે.
 આ સાથે દુબઈ સ્થિત ન્યુટ્રીડોર ડેરી મેન્યુફેક્ચરીંગ એલએલસીની સરહદ ડેરીના ચેરમેન દ્વારા મુલાકાત લેવમાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ન્યુટ્રીડોર લિમિટેડના હેડ ઓફ ક્વોલિટી એન્ડ આરએન્ડડી સંંજય ભટ્ટાચાર્યે પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન અને આદર વ્યક્ત કર્યો હતો તથા પ્લાન્ટની સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉત્પાદન પ્રક્રિયામાં અપનાવવામાં આવેલી અદ્યતન ટેકનોલોજી તેમજ આધુનિક પેકેજિંગ સિસ્ટમ્સ અંગે વિગતવાર માહિતી આપી.
  ગલ્ફ ફૂડ એક્ષ્પોમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ઇવેન્ટમાં જણાવ્યું કે, ગલ્ફ-ફુડ એક્સપો એ ડેરી ક્ષેત્ર માટે કેન્દ્ર સ્થાન ધરાવે છે, જે એક વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે. આ એક્સપોની મદદથી પરંપરાગત ડેરી ઉદ્યોગથી સાથે સાથે અત્યાધુનિક નવીનતાઓ સુધી દરેક પ્રોડક્ટ નું પ્રદર્શન કરતાં પ્રદર્શકો એક સાથે આવે છે. આ એક્સપોથી નવા બજારો અને નિકાસની તકો, નેટવર્કિંગ અને નવા પાર્ટનર્સ, નવીનતા અને ટ્રેન્ડસ, સેલ્સ અને બિઝનેસ ગ્રોથ જેવા અનેક ફાયદાઓ ડેરી ઉદ્યોગને મળે છે . ફૂડ-ટેક, એગ્રી-ટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ સપ્લાઈ ચેઇનમાં ઉદ્દભવતી નવી તકોને પ્રદર્શિત કરવા માટે આ ઇવેન્ટ મહત્ત્વપૂર્ણ બની છે. ભવિષ્ય ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા ડેરીને ભવિષ્યને આકાર આપવા માટે વિકસતા વલણો અને તકોને  ઝડપી લેવું જોઈએ જેથી આવનારા સમયમાં દૂધ તથા દૂધની બનાવટોને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકાય. જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમના સ્ટોલની મુલાકાત લીધેલ હતી સાથે વિશ્વ સ્તરે ફૂડ, ડેરી અને એગ્રીકલ્ચરની ઉપલબ્ધિઓ વિષે વિસ્તૃતમા ચર્ચા કરી હતી. આ સાથે વડાપ્રધાનની નરેન્દ્રભાઈ મોદીના વિઝન કે જેમાં પશુપાલકો આધુનિક ઢબે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે બાબતનો વિસ્તૃત ચર્ચા કરી અને અભ્યાસ કર્યો હતો. 
----------

Comments

COMMENT / REPLY FROM