સીએમ પોષણ યોજના મુદ્દે મનમાની કરનાર ૭ સંસ્થાઓ સામે કલેકટર ડો. પટેલની લાલઆંખ : ખુલાસો મંગાતા ફ..ફ..ડાટ..!
ગાંધીધામમાં રખડતા પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરનારી સાત ગૌશાળાઓની સહાય અટકાવી દેવાઈ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરતોનો ભંગ બદલ કડક કાર્યવાહીના સંકેતથી બિનવારસી પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરતી સંસ્થાઓમાં ગભરાટ
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની સાત જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળો દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના બિનવારસી પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ સહાય મેળવતી સંસ્થાઓ માટે સરકારી શરતો મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા રખડતા પશુઓને સ્વીકારી તેમનો નિભાવ કરવો ફરજિયાત છે. જોકે અંજાર તાલુકાની સાત ગૌશાળાઓએ ગાંધીધામ નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલા આખલાઓને રાખવાની ના પાડી દેતા આ મામલો ગંભીર બન્યો છે. ગાંધીધામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે જિલ્લા પશુપાલન વિભાગને લેખિત જાણ કરવામાં આવી હતી કે, અમુક સંસ્થાઓ દ્વારા પશુધન સ્વીકારવામાં સહકાર આપવામાં આવતો નથી.
આ ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા કક્ષાની કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર જે સંસ્થાઓ બિનવારસી પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરે છે તેમને આ યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય હાલ તુરંત સ્થગિત કરી દેવામાં આવી છે. પશુપાલન શાખા દ્વારા સાત સંસ્થાઓને સત્તાવાર કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યોજનાની શરત મુજબ જો કોઈ સંસ્થા બિનવારસી પશુઓને સ્વીકારતી નથી તો તે સંસ્થામાં રહેલા અન્ય પશુઓ માટે પણ સહાયનો લાભ આપી શકાય નહીં. તંત્રએ આ તમામ સાત સંસ્થાઓને દિન સાતમાં પોતાનો ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી સમયમાં આ સંસ્થાઓ કાયમી ધોરણે સરકારી સહાયથી વંચિત રહી શકે છે. બિનવારસી પશુઓને સ્વીકારતી નથી તેવી સંસ્થાઓ સામે જિલ્લા કલેક્ટર દ્વારા લાલઆંખ કરવામાં આવતાં નિયમોનું પાલન કરવામાં લાપરવાહી દાખવતી સંસ્થાઓમાં હડકંપ મચી ગયો છે.

Comments