Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં કરિયાણાની દુકાનમાં પણ વેચાય છે ગાંજો

28 January


બી-ડિવિઝન પોલીસે ર૪ હજારના ગાંજા સાથે બિહારના શખ્સને પકડ્યો 


ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરમાં અવાર-નવાર પોલીસ દ્વારા ગાંજો અને અન્ય નશાકારક સામાન ઝડપી પાડવામાં આવે છે. મોટે ભાગે ગ્રાહકોને ડિલિવરી આપતી વખતે મુદ્દામાલ પકડવામાં આવે છે પરંતુ હવે તો કરિયાણાની દુકાનમાં ગાંજો વેચાઈ રહ્યો છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કરિયાણાની દુકાનમાંથી ર૪ હજારનો ગાંજો પકડી પાડ્યો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી માટે આપવામાં આવેલી સૂચના અંતર્ગત ટીમ તપાસમાં હતી ત્યારે જાણવા મળ્યું કે, કાર્ગો આંબેડકર નગર પીએસએલ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગુડ્ડુ પાસ્વાને પોતાના ઝુપડાની આગળ આવેલી કરિયાણાની દુકાનમાં ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો. જે હકીકતના આધારે બી-ડિવિઝન પોલીસે રેડ કરી હતી. કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો. મૂળ બિહારના નાલંદાના હાલે કાર્ગોમાં રહેતા ૪૦ વર્ષિય ગુડ્ડુ વાનાસુર પાસ્વાનની અટક કરવામાં આવી છે. પુછપરછ કરતા આ જથ્થો દિલીપ જુગેશ્વર પાસ્વાને આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ૪૭૮ ગ્રામ ગાંજો, મોબાઈલ, રોકડ, વજનકાંટો, નાની કોથળીઓ વગેરે મળી કુલ ૩ર,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એસ.વી.ગોજિયા, પીએસઆઈ એન.બી.બાંભા તેમજ બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ જોડાયો હતો.


....................


કાર્ગોના ગાંજા સપ્લાયર છે, તો તો ખાખીના બની બેઠલા પોપટ
ટાઈગર ના જ સાગરીતો હશે.! : ઉચ્ચ અધિકારી કરે તપાસ..!

ગાંધીધામ સંકુલમાં જયાં કયાં પણ ગાંજા-પોષડોડાના પોઈન્ટ ધમધમી ઉઠયા છે તેમાં બની બેઠલા ટાઈગરના જ માણસોનો છે મોટા ભાગે અડ્ડાઓઃ આ ટાઈગરને ખાખીના કયા ભ્રષ્ટ બાબુઓ સાચવે છે? ટાઈગર બાતમી આપતો હોવાના નામે આવા ભ્રષ્ટ ખાખીધારીઓ ઉચ્ચ અધિકારીઓને પહેરાવી રહ્યા છે ઉલ્ટા ચશમા..!

દબાણો શહેર-સંકુલમાંથી હટી જ રહ્યા છે તો પછી આ બની બેઠલા ટાઈગરે કરેલા દબાણો, જેના પર તેનો ભંગારનો વાંડો
(બિનઅધિકૃત ચોરાઉ વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યો છે) ધમધમી રહ્યો છે ..કેમ તંત્રને નજરે નથી ચડતો? શું બહુ મોટો ડોન છે એટલે તંત્ર ફફડી રહ્યુ છે કે પછી હજુય આથીય વધુ મોટો ડોન આ બની બેઠલા પોપટ સમાન ટાઈગરને તંત્ર બનાવવા ઈચ્છે છે?


જયાં સુધી ખાખીને ગેરમાર્ગો દોરી રહેલા આ બની બેઠેલા પાળેલા પોપટ સમાન ટાઈગરને નથ નહી પહેરાવાય, કાયદાનો ધોક્કો નહીં દેખાડાય, ત્યાં સુધી સંકુલમાં આવી અસામાજીક બદીઓ ડામવી બનશે અશકય..? : જાણકારોની લાલબત્તી



ગાધીધામ : ગુજરાત સરકાર રાજયને ડ્રગ્સ મુકત બનાવવા મથી રહી છે, બીજીતરફ પૂર્વ કચ્છ એસપીશ્રીના નેતૃત્વમાં નો ડ્રગ્સ કેમ્પેઈન ઈન ઈસ્ટ કચ્છને પણ બખુબીથી ધમધમાવાઈ રહી છે,ત્યારે બીજીતરફ સંકુલમાં પોષડોડા અને ગાંજાનો વેપલો થતો હોવાના કિસ્સાઓ પોલીસે રેકેર્ડ પર જ સામે આવવા પામી રહ્યા છે. કયારેક એસઓજી પકડે છે તો કયારેક અન્ય કોઈ પોલીસતંત્ર આગા ડ્રગ્સના માદક પદાર્થો પકડી રહી છે. આ છુટાછવાયા પકડતા ગાંજા કે પોષડોડાની પાછળનો રેલો કયાંક ને કયાંક કાર્ગો સુધી જ લંબાઈ રહ્યો છે. હાલમાં પણ જે ગાંજાનો જથ્થો પકડાયો છે તેનો રેલો પણ કાર્ગો સુધી પહોચતો હોવાથી જાણકારો કહી રહ્યા છે કે, જો કાર્ગોના શખ્સો પકડાયા તો ચોકકસથી તે ખાખીના બની બેઠલા પોપટ ટાઈગરના જ સાગરીતો સીધા કે પરોષ રીતે હોવા જોઈએ.! પોલીસ તપાસ કરે, ઝડપાયેલા શખ્સોના કડક રીમાન્ડ મેળવે તો ચોકકસથી ખાખીના બની બેઠલા પોપટ એવા ટાઈગર સુધી ચોકકસથી વાત પહોચશે. જાણકારો કહે છે કે, સંકુલમાં હાલના સમયે ગાંજા કે પોષડોડાના વેંચાણના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે મોટાભાગના આ બની બેઠલા ટાઈગરના ઈશારે જ ચાલી રહ્યા છે. તેની જ ગેંગ સક્રીય બનેલી છે. ટાઈગર ખુદ પડદા પાછળ રહે છે અને અન્યોને ગાંજા અને પોક્ષડોડાના વેપલાઓ કરવા આગળ કરતો ફરી રહ્યો હોવાનું ચર્ચાય છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે કે, આ બની બેઠલા ટાઈગરમાં એવુ તો શું છે કે, ખાખી તેને નશ્યત નથી કરતી? કહેવાય છે કે,ખાખીનો બની બેઠેલો પોપટ એવો આ ટાઈગર અમુક ખાખીધારીઓને મુર્ખ બનાવી રહ્યો છે અને તે અમુક ખાખીધારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવતા ફરી રહ્યા છે. જયા સુધી આ બની બેઠેલા ટાઈગરને કાયદાનો પરચો નહી દેખાડો ત્યાં સુધી આવી ગાંજા જેવી બદીઓ સંકુલમાં અટકવી અશકય જ બની રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM