ભુજમાં ભૂકંપના ૨૫ વર્ષ બાદ પણ ધ્વસ્ત એપાર્ટમેન્ટોના માલિકી હક્કનો પ્રશ્ન વણઉકેલ્યો
ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના વિકાસમાં છેલ્લા અઢી દાયકાથી અવરોધરૂપ બનેલા ધ્વસ્ત એપાર્ટમેન્ટોના માલિકી હક્કનો પ્રશ્ન ઉકેલવા માટે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ અનિલભાઈ ગોરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં ભુજ શહેરના આશરે ૭૦ જેટલા એપાર્ટમેન્ટો ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનાને ૨૫ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ પ્લોટોના માલિકી હક્ક અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. આ પ્રશ્ન સાથે અંદાજે ૫૦૦ જેટલા નાના-મોટા દુકાનધારકો સંકળાયેલા છે, જેઓ આજે પણ પોતાની કાયદેસરની જગ્યા પર પાકું બાંધકામ કરી શકતા નથી.
અસરગ્રસ્ત વેપારીઓ પ્રિફેબ્રિકેટેડ કે કાચી દુકાનોમાં વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. આવી કાચી દુકાનોને કારણે વેપારીઓના માલસામાનની સુરક્ષા જોખમાય છે અને ચોરી કે આગનો સતત ભય રહે છે. પ્લોટના ટાઈટલ ક્લિયર ન હોવાને કારણે બેંકો દ્વારા ધંધા માટે લોન આપવામાં પણ મુશ્કેલીઓ પડે છે. આ પ્રશ્નનો તાકીદે નિકાલ લાવે અથવા જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી જે-તે જગ્યાએ વેપારીઓને પાકી દુકાનો બનાવવા માટેની વિશેષ મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
------

Comments