ભુજમાં એલસીબીએ લાખોના ચોરાઉ એલ્યુમિનિયમ વાયરો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
લખપતના જુણાચાય ગામેથી વીજ લાઇનના વાયરો કાપી હેરફેર કરતા બે ઇસમો લોડિંગ ગાડી સાથે પકડાયા : અન્ય ત્રણ શખ્સોની શોધખોળ શરૂ
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચને કેબલ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ અને શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે ભુજનો ગફુર મામદ નોતીયાર તેના સાથીદાર સાથે કોડકી ગામ તરફથી એક વાદળી રંગની લોડિંગ ગાડીમાં ચોરીના એલ્યુમિનિયમના વાયરો ભરીને ભુજ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને તપાસ હાથ ધરતા શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા, જેના વિશે ચાલક પાસે કોઈ આધારભૂત પુરાવા કે બિલ નહોતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે, તેઓએ બે દિવસ પહેલા અબ્દુલ મમણ, રેહાન ઉર્ફે મોટુડો અને રઝાક મમણ સાથે મળીને લખપત તાલુકાના જુણાચાય ગામ પાસે આવેલી બંધ વીજ લાઇનના વાયરો
કાપીને ચોરી કરી હતી. પોલીસે આ મામલે આશરે ૫૦૦ કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમ વાયરો જેની કિંમત ૭૫,૦૦૦ રૂપિયા અને ૩ લાખની કિંમતની લોડિંગ ગાડી મળી કુલ ૩,૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પોલીસે ૩૪ વર્ષીય ગફુર મામદ નોતીયાર અને ૨૨ વર્ષીય સાહીલ ઇશા મોખાની ધરપકડ કરી છે, જ્યારે ચોરીમાં સામેલ અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Comments