Trending News
સ્થાનિક સમાચાર

ગળપાદરના લોકોને તંત્રની કામગીરીના કારણે કરાયા કેદ

27 January



મહાનગરપાલિકાની પાઈપની કામગીરીના કારણે ભવાનીનગર, રાજવીનગર, યોગેશ્વર વિસ્તાર અને ઝુંપડપટ્ટીના રસ્તા કર્યા બંધ : લોકોને બહાર નિકળવું બન્યું મુશ્કેલ 

ગાંધીધામ - કચ્છઉદય : ગળપાદર વિસ્તારના ભવાનીનગર, રાજવીનગર, યોગેશ્વર વિસ્તાર અને ઝુંપડપટ્ટી ચારેય વિસ્તારોને હાલ મહાનગરપાલિકાના ચાલી રહેલા પાઈપલાઈન કામે જાણે પૂર્ણ બાનમાં લીધું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાકટર અને પાલિકાની અણઘડ, બેફામ અને જવાબદારી વિહોણી નીતિના કારણે એક પણ રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો નથી. હાલે કામ ચાલું હોવાના કારણે મુખ્ય રસ્તાઓ બધા બંધ છે. ગળપાદર પુલ તરફનો રસ્તો બંધ, ફાટક તરફ આવવાનો રસ્તો બંધ, ગળપાદર જેલ ફરીને જવાનો રસ્તો પણ બંધ જેના કારણે લોકોને ગળપાદરમાંથી બહાર કઈ રીતે નિકળવું તે સવાલ ઉઠી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જનતા જાય તો જાય કયા, રોજિંદા કામે નોકરીયાત વર્ગ ક્યાંથી જાય, ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ ક્યાંથી આવે, સ્કૂલ વાહનો કયા માર્ગે પસાર થાય તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.  ગળપાદર વિસ્તારોમાં રહેતા લોકો માટે બહાર નીકળવાનો એક પણ વ્યવસ્થિત માર્ગ બચ્યો નથી. હાલ તો ટુ-વ્હીલર વાળા ખાડા - ખબચડા, કાદવ અને જોખમ વચ્ચેથી જીવ જોખમમાં નાખીને નીકળી રહ્યા છે. ફોર-વ્હીલર તો બહાર નીકળે એવી સ્થિતિ જ નથી. આવી રીતે વિકાસના નામે જનતાને કેદ કરી દિધા છે. એક રસ્તા પર કામ ચાલતું હોય તો ઓછામાં ઓછો એક રસ્તો ખુલ્લો રાખવો રાખવો જોઈએ. આટલી સામાન્ય સમજ પણ પાલિકા અને કોન્ટ્રાકટરને નહીં હોય તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોની મુશ્કેલી, સલામતી અને રોજિંદા જીવન સાથે રમવું, અયોગ્ય, અસ્વીકાર્ય અને નિંદનીય છે. વિકાસ જરૂરી છે, પણ જનતાને હેરાન કરીને થતો વિકાસ સ્વીકાર્ય નથી. ત્યારે આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર લોકોની સમસ્યાનો નિવેડો લાવે તેવું લોકો જણાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM