કચ્છ એક્સપ્રેસમાં મુસાફર પર હુમલો કરનાર ચાર શખ્સો ઝડપાયા
ભુજ-કચ્છઉદય : વાપી રેલવે સ્ટેશન પર કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક મુસાફર પર હુમલો કરવા બદલ ચાર શખ્સોની ધર પકડ કરવામાં આવી છે. રિઝર્વ સીટ પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં આ હુમલો થયો હતો, જેમાં એક યાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વાપી અને સુરત જીઆરપીની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર ૨૨૯૫૫ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર ઊભી હતી. કોચ નંબર જી-૪ની સીટ નંબર ૬૦ પર મુસાફરી કરી રહેલા વિરજીભાઈ ભોજાભાઈ અને તેમના પુત્ર સાથે ચાર યુવકોએ વાપી રેલવે સ્ટેશનથી બેસવા બાબતે તકરાર કરી હતી. આ વિવાદ વધતાં આરોપીઓએ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ, ફરિયાદીના પુત્રના ખિસ્સામાંથી બોલપેન કાઢી વિરજીભાઈના માથામાં મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ વડોદરા કંટ્રોલ રૂમ દ્વારા વાપી જીઆરપીને કરવામાં આવી હતી. વાપી અને સુરત રેલવે પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે બિહારના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં મજૂરી કામ કરતા ગોલુકુમાર સતનારાયણ તુરાહા (ઉં.વ. ૧૯), સોનુકુમાર દીપકકુમાર ચોરસિયા (ઉં.વ. ૧૯), સલમાન નુરમહમદ શેખ (ઉં.વ. ૧૯) અને રાહુલ નિરંજન ગોસ્વામી (ઉં.વ. ૧૮)ની ધર પકડ કરી છે. વાપી રેલવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસની આ ઝડપી કાર્યવાહીથી મુસાફરોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Comments