અબડાસાના કોઠારામાં લીઝના રસ્તે માટીનો પાળો નાખવા બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ
એક પક્ષે હત્યાના પ્રયાસની તો બીજા પક્ષે લૂંટ અને તોડફોડની કલમો હેઠળ નોંધાવી સામસામી પોલીસ ફરિયાદ : લોખંડના પાઇપ અને લાકડાના ધોકા ઉછળતા અનેકને ઈજા
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિયાણી ગામે લીઝ પર જવાના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રથમ ફરિયાદમાં ફરિયાદી અલ્તાફ મોહમ્મદહુશેન જતે જણાવ્યું છે કે મિયાણી ગામની સીમમાં આવેલી લીઝ પાસે આરોપીઓએ હિટાચી મશીન વડે રસ્તો બંધ કરી દીધો હતો. આ બાબતે સમજાવવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને પાઇપના ફટકા મારી હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ મામલે કોઠારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ હનીફ જાકબબાવા પઢિયાર, હાફિઝ કાસમ પઢીયાર, ગફુર પઢીયાર, અજીમ પઢીયાર, સલીમ પઢીયાર અને કારા મામદ રહે. તમામ નુંધાતડ અને અન્ય અજાણ્યા પંદરેક લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે હમીદ જાનમામદ હિંગોરા પણ વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે માટીનો પાળો કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો. આ ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા દસ હજારની લૂંટ ચલાવી હતી અને હિટાચી મશીનની ચાવી પણ ઝૂંટવી લીધી હતી. એટલું જ નહીં, પથ્થરમારો કરીને હિટાચી મશીનના કાચ તોડી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. કોઠારા પોલીસે આ મામલે પણ લૂંટ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ રિયાઝ મામદહુસેન હિંગોરા, અલ્તાફ મામદ હુસેન હિંગોરા, જાવેદ મામદ હુસેન હિંગોરા, મામદહુસેન હિંગોરા તેમજ અન્ય પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. આમ, એક જ ઘટનામાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. હાલ આ સમગ્ર મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Comments