Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના હસ્તે પોલીસ જવાનો અને જાગૃત નાગરિકોનું સન્માન

26 January






પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો : અંજાર પોલીસ ટીમના સભ્યો અને સહયોગ આપનાર ૧૧ નાગરિકોને પ્રશંસાપત્ર એનાયત કરાયા

અંજાર - કચ્છઉદય : અંજાર પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર અને આદિપુરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ અત્યંત મદદરૂપ સાબિત થયા છે. આ કામગીરીના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરીના ગુનાઓ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ૧૧ ખાનગી સીસીટીવી કેમેરાના માલિકો તેમજ પ્રશંસનીય કામગીરી કરનાર અંજાર પોલીસ ટીમને પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ રાજ્યના ડીજીપી અને સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયા તેમજ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તેવા કાર્યો કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહીલ દ્વારા સેફ કચ્છ ઇસ્ટ કેમ્પેઈન અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરાઓની મદદથી અંજારમાં થયેલી ૧૦.૫૯ લાખની ચોરી અને આદિપુરમાં થયેલી ૭.૪૦ લાખની ચોરી એમ બે મોટા ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનાના ભેદ ઉકેલવામાં રામજીભાઈ ધેડા, ભરતભાઈ હેઠવાડીયા, બકુલભાઈ હેઠવાડીયા, આરતીબેન પ્રજાપતિ, બ્રિજેશભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ શર્મા, અશોકભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ભાનુશાળી, શંકરભાઈ ભાનુશાળી, સાહિલ ખત્રી અને સંદીપભાઈ સંઘવી જેવા જાગૃત નાગરિકોએ પોતાના નિવાસસ્થાન કે ઓફિસના સીસીટીવી ફૂટેજ આપી પોલીસને પૂરતો સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહીલ, સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા અને પોલીસ સ્ટાફની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.  પૂર્વ કચ્છ પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે પોતાના રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોમાં સારી ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં બનતા ગુનાઓ અટકાવી શકાય અને લોકોની જાન-માલની સુરક્ષામાં પોલીસને મદદ મળી રહે.
------ 

Comments

COMMENT / REPLY FROM