Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં યુવકને જીવતો સળગાવી દેવાના ચકચારી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ

26 January



પડોશીઓ સાથેના ઝઘડામાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગાળિયો કસ્યો


ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામમાં યુવકને જીવતો સળગાવી હત્યાના કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચકચારી ઘટનાના પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હીરાભાઇ મહેશ્વરીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) સહિતની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પી.આઈ. એસ.વી. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય 
આરોપીઓ  બે મહીલા અને ચિમનારામ ગોમારામ મારવાડીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં આવેલા સતરાહજાર ઝુપડા પાસે રહેતા કરસન નામના યુવકને ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ કરસનને પકડીને માર માર્યો હતો. જીવ બચાવવા માટે કરસન પોતાના ઘરના બાથરૂમમાં ભરાઈ ગયો હોવા છતાં નિર્દય આરોપીઓએ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકે તેના મરણોન્મુખ નિવેદનમાં આ સમગ્ર હકીકત જણાવી હતી. અત્યારના ગુનાની ફરિયાદ નોંધાયેલા ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM