Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગેરકાયદેસર ગેસ રિફલિંગનો કાળો કારોબાર

26 January

બારૂદના ઢેર પર બેઠેલ






પુરવઠા વિભાગ કેમ મૌન ?


ભુજ, અંજાર, મુન્દ્રા, ગાંધીધામ સહિત જિલ્લામાં રાંધણ ગેસના બોટલમાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગનું જોખમી નેટવર્ક સક્રિય; પોલીસ રેડ કરે છે પણ જેની જવાબદારી છે તે પુરવઠા વિભાગ કેમ નિષ્ક્રિય?



ભુજ - કચ્છ ઉદય : કચ્છ જિલ્લો આર્થિક પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારો અને શહેરોમાં રાંધણ ગેસના બોટલોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ધમધમી રહી છે અને પુરવઠા વિભાગે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભુજ,માધાપર, અંજાર, મુન્દ્રા શહેરમાં આવેલા ગોદામોમાં ગેરકાયદેસર રિફિલિંગની કાળા કારોબાર ચાલી રહ્યો છે. તાજેતરમાં પશ્ચિમ પોલીસ દ્વારા ઉજવલા અને સરકારી ગેસ બટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રીફિલીંગ કરવાના કારસો પકડવામાં આવ્યો હતો તે બાદ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે. 
રાંધણ ગેસના સસ્તા સિલિન્ડર મેળવીને અત્યંત જોખમી પદ્ધતિથી તેને કોમર્શિયલ બોટલોમાં રિફિલ કરવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે, આ ગેરકાયદે રિફિલિંગ બાદ તેના પર નામચીન કંપનીઓના આબેહૂબ નકલી સીલ લગાવી દેવામાં આવે છે. 
આ કારણે કયો બાટલો કાયદેસર છે અને કયો મોતનો સામાન, તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં માંડવીના મોટા સલાયા અને અગાઉ મુન્દ્રા અને ભુજ, માધાપર જેવા વિસ્તારોમાં એલસીબી દ્વારા રેડ કરીને ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડવામાં આવી હતી. 
જોકે, કાયદાકીય રીતે જેની પ્રાથમિક જવાબદારી બને છે તે પુરવઠા વિભાગ ક્યારેય મેદાને આવતું નથી. જો સમયસર ગેરકાયદે રિફિલિંગના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં સર્જાનારી કોઈ મોટી અગ્નિકાંડની ઘટના માટે જવાબદારી કોની રહેશે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. 

.........


ગેસ અને પેટ્રોલિયમ પદાર્થોની હેરાફેરી પર નજર રાખવા ટાસ્ક ફોર્સની અનિવાર્યતા

જિલ્લામાં ક્રૂડ અને ગેસની પાઈપલાઈનોે પથરાયેલી છે. જોકે, પુરવઠા વિભાગની  ઢીલી નીતિ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે. ખનીજ ચોરીની જેમ ગેસ અને પેટ્રોલિયમ પેદાશોના કાળાબજાર રોકવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદે ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’ બનાવવામાં આવે અને ગેરકાયદે ગેસની સાથે પેટ્રોલિયમ પદાર્થો જેમાં પેટ્રોલ, ડીઝલ, બાયો ડીઝલ સહિતની હેરાફેરી પર નજર રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 



........


શ્રમિકોની મજબૂરી અને લારી-ગલ્લાનો દુરુપયોગ

કચ્છમાં બંદરો અને ઉદ્યોગોને કારણે લાખો પરપ્રાંતીય શ્રમિકો વસે છે. આધાર પુરાવાના અભાવે તેમને ગેસના કાયદેસર કનેક્શન મળતા નથી, જેનો ફાયદો આ ગેસ માફિયાઓ ઉઠાવે છે. બીજી તરફ, ઊંચા ભાવથી બચવા નાસ્તાની લારીઓ પર પણ કોમર્શીયલના બદલે ઘરેલું ગેસનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે.


.......

Comments

COMMENT / REPLY FROM