ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે ૬૯.૭૯ લાખની છેતરપિંડી
વિશ્વાસઘાત કરી કર્મચારી ફરાર : હિસાબોમાં ગરબડ કરી ખોટા દસ્તાવેજો બનાવ્યા, ૭૯.૬૪ લાખમાંથી માત્ર ૯.૮૫ લાખ પરત કરી બાકીના નાણાં ઓહિયા કરી ગયો
ગાંધીધામ - કચ્છઉદય : અહીંની આંગડિયા પેઢીના સંચાલક સાથે કર્મચારી દ્વારા જ ૬૯.૭૯ લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.
ગાંધીધામના ગાંધીમાર્કેટ સામે આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પેઢીના માલિક જીગરકુમાર જયંતીલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ઓફિસનું કામકાજ સંભાળતા હર્ષ જીતેન્દ્રકુમાર ઠક્કર નામના કર્મચારીએ વિશ્વાસઘાત કર્યો છે. આરોપીએ આંગડિયા પેઢીના હિસાબોમાં છેડછાડ કરી, રૂપિયાની લેવડ-દેવડની ખોટી ખાતાબુક અને દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આરોપીએ અંદાજે કુલ ૭૯,૬૪,૮૯૦ રૂપિયા ઉપાડી લીધા હતા, જેમાંથી ૯,૮૫,૦૦૦ રૂપિયા પરત કર્યા હતા પરંતુ બાકીના ૬૯,૭૯,૮૯૦ રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Comments