પશ્ચિમ કચ્છમાં ૨ વર્ષમાં ૪૯ હત્યા : નજીવા ઝઘડા, શંકા, જર-જમીન-જોરૂના વિવાદે માનવજીવન સસ્તું બન્યું
પોલીસના આંકડા દર્શાવે છે દર પખવાડીએ એક હત્યા થાય છે
ક્ષણીક ગુસ્સો માત્ર વ્યક્તિનો જીવ નથી લેતો, પરંતુ પરિવારને અનાથ, પત્નીને વિધવા અને બાળકોને પિતાવિહોણા બનાવી દે છે
ઘટનાઓ અટકે એ માટે સામાજિક જાગૃતિ, કાઉન્સેલિંગ, પારિવારિક વિવાદોના સમયસર નિવારણ અને નશા સામે કડક પગલાં જરૂરી
ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી હત્યાની ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં ગંભીર ચિંતા ફેલાવી છે. પોલીસ રેકોર્ડ મુજબ આ સમયગાળા દરમિયાન કુલ ૪૯ હત્યાના બનાવ નોંધાયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે મોટા ભાગે નજીવા આક્રોશ, નાની શંકા, ઘરેલું વિવાદ જેવા પરંપરાગત ઝઘડાઓના પરિણામે બની છે. ઘણી ઘટનાઓમાં માત્ર બોલાચાલી, શંકાની ભાવના અથવા ક્ષણિક ગુસ્સાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે. મિત્રતા, પડોશી સંબંધ કે સગાસંબંધી વચ્ચેના નાનકડા વિવાદો સીધા હત્યા સુધી પહોંચી રહ્યા છે, જે સમાજની માનસિક સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનેક કેસોમાં ગુનાહિત ઈરાદો પહેલેથી ન હતો, પરંતુ ક્ષણિક આક્રોશમાં હાથમાં જે હથિયાર આવ્યું તેનાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.જર, જમીન અને જોરૂના વિવાદો તો હજુ પણ હત્યાનું મુખ્ય કારણ બની રહ્યા છે.
મિલકતના ભાગલા, જમીન માલિકી અંગેના ઝઘડા, વૈવાહિક તણાવ, અવૈધ સંબંધોની શંકા અને પારિવારિક કલહ અનેક પરિવારોને તબાહ કરી રહ્યા છે. એક ક્ષણનો ગુસ્સો માત્ર એક વ્યક્તિનો જીવ નથી લેતો, પરંતુ પાછળ એક પરિવારને અનાથ, પત્નીને વિધવા અને બાળકોને પિતાવિહોણા બનાવી દે છે. ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને નશાની લત પણ આવા ગુનાઓને પ્રોત્સાહન આપતી હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં થયેલા ઝઘડાઓ ઘણી વખત હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે અનેક હત્યાના કેસોમાં આરોપી કે મૃતક પૈકી કોઈ એક નશાની હાલતમાં હતો. આ બાબત નશામુક્તિ અભિયાનની અસરકારકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
વર્ષ ર૦ર૪ મા પશ્ચિમ કચ્છ જિલ્લામાં હત્યાના ર૧ બનાવો નોંધાયા હતા. જે તમામમાં આરોપીઓ પકડાઈ ગયા છે, જ્યારે ર૦રપ મા કુલ ર૮ ઘટના બની હતી. જેમાં ર૭ ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. ગઢશીશા પોલીસની હદમાં વાડી વિસ્તારમાંથી યુવાનનો હત્યા કરાયેલો દેહ મળી આવ્યો હતો. જે ઘટનામાં આજદીન સુધી કોઈ આરોપી પકડાયો નથી. પોલીસના આંકડા દર્શાવે છે કે, કચ્છમાં સરેરાશ પખવાડિયામાં એક હત્યા થાય છે. કાયદો અને પોલીસ વ્યવસ્થાની દ્રષ્ટિએ જોવામાં આવે તો મોટાભાગના કેસોમાં આરોપીઓ ઝડપાઈ ગયા છે, પરંતુ ગુના બન્યા બાદની કાર્યવાહી સમાજ માટે પૂરતી નથી. ગુનો બનતા અટકે એ માટે સામાજિક જાગૃતિ, કાઉન્સેલિંગ, પારિવારિક વિવાદોના સમયસર નિવારણ અને નશા સામે કડક પગલાં જરૂરી બન્યા છે. સ્થાનિક સામાજિક આગેવાનો અને સમજદાર વર્ગનું માનવું છે કે સહનશીલતા ઘટતી જઈ રહી છે. લોકો વચ્ચે સંવાદની જગ્યાએ હિંસા સ્થાન લઈ રહી છે, જે સ્વસ્થ સમાજ માટે ઘાતક છે. પશ્ચિમ કચ્છમાં વધતી હત્યાની ઘટનાઓ માત્ર પોલીસનો મુદ્દો નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે.જો સમયસર આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ ન લાવવામાં આવે, તો નાનકડા ઝઘડા પણ લોહીયાળ અંજામ લાવતાં રહેશે. માનવજીવનની કિંમત સમજાવી, સંયમ અને સંવાદની સંસ્કૃતિ વિકસાવવી હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
...............
વર્ષ ર૦ર૪ કરતા ર૦રપ મા હત્યાના પ્રયાસના બનાવો બમણા થયા
ક્ષણીક ગુસ્સા અને જુની અદાવતે મારામારી, હુમલાના બનાવો એટલી હદે વધી ગયા છે કે, જેના કારણે કાયમી રીતે શારીરિક ખોટ ભોગવવાનો વારો આવે છે. પશ્ચિમ કચ્છમાં ર૦ર૪ મા હત્યાના પ્રયાસના માત્ર ૧૦ બનાવો સામે આવ્યા હતા પરંતુ ર૦રપ આ બનાવો બમણા થઈને ર૩ સુધી પહોંચ્યા છે. તમામ ઘટનાઓમાં પોલીસે આરોપીઓને પકડ્યા છે પરંતુ આ બાબતો દર્શાવે છે કે, આરોપીઓને કે હુમલાખોરોને પોલીસનો કોઈ ડર જ નથી જો પોલીસની ધાક હોય તો હુમલો કે થપ્પડ મારતા પણ લોકોને ડરનો અહેસાસ થાય પરંતુ અહીં તો કાયદાને ગજવામાં લઈને ફરતા હોવાની શેખી મારવામાં આવતી હોય છે ત્યારે ગુનેગારો પર કાયદાની ધાક જમાવવી જરૂરી બની રહે છે.

Comments