Trending News
સ્થાનિક સમાચાર

નારાયણ સરોવરના પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરનાર જમ્મુ-કાશ્મીરના બે શખ્સો ઝડપાયા

24 January

કેન્દ્ર સરકારના જાહેરનામાનો ભંગ કરી લખપત તાલુકાના લક્કીનાળા વિસ્તારમાં પ્રવેશતા પોલીસની એસ.ઓ.જી. શાખાએ કાર્યવાહી કરી

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના નારાયણ સરોવર પોલીસ મથકની હદમાં આવતા પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ ભુજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા મળેલી વિગતો અનુસાર નારાયણ સરોવર પોલીસ સ્ટેશનથી દક્ષિણ દિશામાં આશરે ૧૨ કિલોમીટર દૂર આવેલા લક્કીનાળા વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. આ વિસ્તાર ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ પ્રતિબંધિત જાહેર કરેલો છે, જ્યાં પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવો ગુનો બને છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ જવીદ ઈકબાલ અને મહોમ્મદ મુસ્તાક તરીકે થઈ છે, જેઓ મૂળ જમ્મુ-કાશ્મીર રાજ્યના પૂંછ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બંને શખ્સોએ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કોઈપણ સમયે આ સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરી સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસ.ઓ.જી. દ્વારા આ શખ્સોની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ આગળની તપાસ માટે નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવ્યા છે. સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જાહેર કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારોમાં થતી આવી હિલચાલને પોલીસ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM