Trending News
સ્થાનિક સમાચાર

સસ્તા સોનાની લાલચ આપી ૨૯ લાખની છેતરપિંડી આચરનાર ટોળકીના બે સાગરીતો પકડાયા

23 January

ભુજ એલસીબીએ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ પાસેથી ૨૪ લાખની રોકડ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો


ભુજ - કચ્છઉદય : સસ્તા સોનાની લાલચ આપી ૨૯ લાખની છેતરપિંડી આચરનાર ટોળકીના બે સાગરીતોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ગત તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપી હતી. જે મુજબ આરોપીઓએ સસ્તું સોનું આપવાના બહાને ફરિયાદીને ભુજ બોલાવી, સોનાના બિસ્કીટ બતાવી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ સોનું કે નાણાં પરત ન આપી આરોપીઓએ અંજાર મધ્યે ફરિયાદીને ધાક-ધમકી આપી માર માર્યો હતો અને બળજબરીથી સમાધાન પત્ર પર સહી કરાવી માત્ર એક લાખ રૂપિયા પરત આપી બાકીના ૨૯ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા એલસીબી પીઆઈ એ.એમ. મકવાણા અને પીએસઆઈ એચ.આર. જેઠીની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પોલીસે ભુજના શેખ ફળિયામાં રહેતા રમજુ કાશમશા શેખ અને અંજારના ધમડકા ગામના આમદશા જુસબશા શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા ૨૪ લાખ રૂપિયાની રોકડ, ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને ત્રણ લાખની કિંમતની બલેનો કાર સહિત કુલ ૨૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અનવરખાન આમદખાન પઠાણ હાલ ફરાર હોઈ તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં રમજુ શેખ વિરુદ્ધ ભુજ અને મુંદરામાં અને આમદશા શેખ વિરુદ્ધ સુરેન્દ્રનગર તેમજ અંજારમાં છેતરપિંડી અને નકલી નોટોના અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
 

Comments

COMMENT / REPLY FROM