Trending News
સ્થાનિક સમાચાર

પુસ્તક "મમ્મીનો ટહુકો" અને "યાદ સતાવે મને"નું ગાંધીનગર ખાતે લોકાર્પણ 

23 January

ગુજરાત સાહિત્ય અકાદમીના સભાખંડમાં ઉપસ્થિત અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, મહામાત્ર જયેન્દ્રસિંહજી જાદવ અને સાહિત્યકાર યશવંત મહેતાનું પ્રેરક ઉદબોધન. 

ભુજ - કચ્છઉદય : ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક મણિલાલ શ્રીમાળી ‘મિલન’ના બે પુસ્તકો "મમ્મીનો ટહુકો" અને "યાદ સતાવે મને"નું લોકાર્પણ ગુજરાત સાહિત્ય અકાદમીના સભાખંડ (ગાંધીનગર) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, મહામાત્ર જયેન્દ્રસિંહજી જાદવ અને સાહિત્યકાર યશવંત મહેતાએ લેખકને શુભેચ્છાઓ આપતા કહ્યું કે આજે પણ ગુજરાતીમાં લખાયેલ સાહિત્યનું સ્થાન અને આકર્ષણ બાળકોમાં વિશેષ રહ્યું છે. મણિલાલ શ્રીમાળી એક નિષ્ઠાવાન સર્જક તરીકે જાણીતા છે. તેઓના બાળ કાવ્યોમાં બાળ સહજ અનુભૂતિ અને સમજ જોવા મળે છે. જ્યારે "યાદ સતાવે મને" કાવ્ય સંગ્રહમાં તેઓની રચનાઓ સંવેદનશીલ, આસપાસના બનાવોને એના મૂડમાં ઉતરીને આત્મસાત કરતી હોય તેમ જણાય છે. તેઓની કલમ, શબ્દ અંકિત કરીનેભાવકોને સાહિત્યિક દુનિયામાંપ્રવેશકરાવવા માટે ખૂબ જ સફળ રહે છે એમ જણાવી બંને પુસ્તકોના પ્રકાશન ટાણે લેખકને આવકાર અને અભિનંદન પાઠવ્યા હતા.મણિલાલ શ્રીમાળીએ એક પ્રતિભાવમાં આ પુસ્તક વિમોચન માટે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને મહામાત્ર એમ બંને વ્યક્તિ વિશેષનો તેમજ સાહિત્યકાર યશવંત મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુસ્તકમાં જ્ઞાન સાથે ગમ્મત મળી શકે તેવા ૪૩ બાળગીતો સમાવિષ્ટ થયા છે જે વાંચવા ગમશે અને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા "મમ્મીનો ટહુકો" પુસ્તક સદર્ભે વ્યક્ત કરી હતી. જ્યારે "યાદ સતાવે મને" કાવ્ય સંગ્રહમાં કાવ્યની પ્રસ્તુતિ મેં પૂરેપૂરી સંવેદનશીલતાથી કરવા પ્રયાસ કર્યો છે. આ સંગ્રહમાં અનેકવિધ પત્રો, અંકોમાં પ્રસિદ્ધ થયેલ કાવ્યોને સમાવિષ્ટ કર્યા છે. તેઓએ પ્રૌઢ સાહિત્યનો આ કાવ્ય સંગ્રહ છે તેમ જણાવી પરિવારજનો, વાચકો અને સહાયક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શ્રદ્ધાબેન ત્રિવેદી, ગીરીમાં ઘારેખાન, ડૉ. કેશુભાઈ દેસાઈ, નિસર્ગ આહીર, ભાનુભાઇ દવે, નટુભાઈ પરમાર, અશોક રીંડાણી, પી.બી. શ્રીમાળી, કિરીટ શ્રીમાળી, યશરાજ બેનીગર, ભીખુભાઈ કવિ, કિરીટ પંડ્યા સહિત અનેક સાહિત્યકારો અને રસિકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે કિરીટ ગોસ્વામી, ભાનુભાઇ પંડ્યા, ગીરીમા ઘારેખાન, નિધિ મહેતા ના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું

Comments

COMMENT / REPLY FROM