રાયધણપરની સરકારી હાઇસ્કૂલ ગ્રામ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
ભુજ - કચ્છઉદય : તાલુકાના આહિરપટ્ટી પંથકની સરકારી હાઈસ્કૂલ રાયધણપર વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગ્રામ્ય કક્ષાએ કચ્છ જીલ્લાની પ્રથમ ક્રમાંકે શ્રેષ્ઠ શાળા તરીકે જાહેર થતાં પંથકમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ છે.
આ શાળાનું ગુણવતાયુક્ત શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃતિઓ, સામાજીક યોગદાન, દર વર્ષે બોર્ડની પરીક્ષાઓમાં ઉચ્ચ પરિણામ, સરકારશ્રીની યોજનાઓનું અમલીકરણ વગેરે પાસાંઓનું મૂલ્યાંકન કરી શાળાને ઉપરોક્ત પારિતોષિક માટે પસંદ કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાની આ શાળા નમૂનારૂપ છે. જેમાં સમયાંતરે સેમિનારો, ઉદ્યોગ ગૃહોની મુલાકાતો, વ્યક્તિ વિશેષ સાથે સંવાદ જેવા અનેકવિધ આયામો યોજવામાં આવે છે. શાળાના ભૂતપૂર્વ વર્ગ - ૨ આચાર્ય શિવુભા એસ. ભાટીનાનેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માં સરકારી હાઈસ્કૂલ લોડાઈએ તથા વર્ષ ૨૦૨૫-૨૬ માં સરકારી હાઈસ્કૂલ રાયધણપરે જીલ્લાની શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક પ્રાપ્ત થતાં તેમના કુશળ નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું એવું શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી જ્યોતિબેન ગુંસાઈ એ જણાવ્યું હતું.
આ તબક્કે પંથકના સામાજિક અગ્રણીઓ, ગ્રામપંચાયતના સરપંચ, એસએમડીસીના સભ્યો અને વાલીગણ એ શુભેચ્છાઓ પાઠવી હર્ષની લાગણી અનુભવી હતી. તેમજ જીલ્લાના રાહબર જીલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા સમગ્ર કચેરીએ ઉતરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments