Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ પર પડદો પાડવાની ચોતરફી દોડધામ?

23 January

સી.સસસ...કોઈને કહેતા નહીં..!

મુંદરા-આધોઈ-કાસેઝ-કેરળ સહિતના સાચા-ખોટાં કનેકશનો ધરાવતા પ્રકરણમાં કુલડીમાં ગોળ ભાંગી દેવાની વેતરણ ચાલતી હોવાની ઉઠી ચર્ચા : ૭ શખ્સો પકડાયા, ખોટા-બોગસ ઈવેબીલનો સત્તાવાર ખુલાસો થયો, વિદેશી કન્ટેઈનર હોવાનુ દસ્તાવેજી પુરાવામાં મળી ગયું, છતા પણ પોલીસ, કસ્ટમ, કાસેઝ વિભાગ સહિતનાઓને આખાય કાંડને અંજામ આપનાર ટોળકી, કસ્ટમના ભ્રષ્ટતત્વોના નેટવર્કના મુખ્ય સુત્રધારો 
હજુય હાથ ન લાગતા ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો

જો કાસેઝના સીસીટીવી ફુટેજ હાથમાં આવી જાય તો ઘણા મોટા ભ્રષ્ટ નેટવર્કનો ખુલાસો થાય, કયાંક ને કયાંક આવા મોટામાથાઓના ન માત્ર સોપારી પરંતુ કાળામરી, અખરોટ, સિગારેટ, તરબુચના બીજ સહિતના અ.ધ...ધ...કરોડના કૌભાંડો ખુલતા અટકાવવા માટે જ આખોય મામલો યેનકેન પ્રકારે દબાવવાના લગાવાઈ રહયા છે એટી ચોટીના જોર

આનંદના કડક પુછાણા પોલીસ લેશે તો 
મહાદેવ - રાજેશ ઉર્ફે કીર્તિના મોટા કાંડ ખુલશે

રાજેશ પાણી ટોળકી મામલો દબાવવાનો પ્રયાસ કરે છે કે કેમ ?ઃ મોટા માથાઓ સુધી પહોંચતા પહેલા તપાસ અટકાવવાની શંકા


ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ભચાઉના આધોઈ વિસ્તારમાથી તાજેતરમાં જ પોલીસે આધારપુરાવા વિનાની વિદેશી સોપારીનો મોટો જથ્થો પકડી પાડયો છે. અદાજીત દોઢેક કરોડની આ સોપારીનુ ઝડપાયેલ કન્ટેઈનર વિદેશી છે તે તો નિશ્ચિત જ છે, તો પછી આધોઈ સુધી કેવી રીતે, કોની કોની સંડોવણીથી, કેવા ઈરાદાઓને પાર પાડવા આ જથ્થો બહાર નીકળી ગયો? તેવા અનેકવિધ સળગતા સવાલોની વચ્ચે જ હવે દાણચોર સુત્રધારો સહિતની આ આખીય સિન્ડીકેટ યેન કેન કરી અને સમગ્ર સોપારી દાણચોરીના કિસ્સાને નાના નાના ફોલ્ડરીયાઓ સુધી જ સીમીત રખાવી દઈ અને કેસ આખોય રફેદફે કરી દેવા, એટલે કે તેના પર પડદો પાડી દેવાની ભારે દોડધામમા હોય તેવી ચર્ચાઓ તેજ બની રહી છે. આ મામલે વધુ વિગતે વાત કરીએ તો આધોઈ સોપારી કાંડમાં તપાસ આગળ વધી રહી છે ત્યારે હવે મામલો દબાવી દેવા માટે દોડધામ શરૂ થઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ, રાજેશ  સાથે સંકળાયેલી ટોળકી દ્વારા તપાસને અડીચોટી પર અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આનંદસીંગ મુખ્ય સુત્રધાર છે, તેના રીમાન્ડ લેવાયા તો પછી હવે આગળ શું બહાર આવ્યુ? કેમ રાજેશ ઉર્ફે કીર્તી સુધી કાયદાકીય રીતે હજુ સુધી તપાલ લંબાઈ શકી નથી? સૂત્રો અનુસાર, કસ્ટમ અને અન્ય તપાસ એજન્સીઓની કાર્યવાહી મોટા માથાઓ સુધી ન પહોંચે, તે માટે વિવિધ સ્તરે દબાણ કે પ્રભાવનો ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ બાબતે સત્તાવાર રીતે હજી કોઈ પુષ્ટિ થઈ નથી.હવે જોવાનું રહ્યું કે, પૈસાનો પ્રભાવ ભારે પડે છે કે કાયદાનો રાજ સ્થાપિત થાય છે?આધોઈ સોપારી કાંડમાં તપાસ એજન્સીઓ કેટલી નિર્ભયતાથી આગળ વધે છે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.


.....................

પૈસાનો પ્રભાવ કે કાયદાનો રાજ?

ગાંધીધામ : આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું સોપારી કાંડની તપાસ માત્ર નાના ખેલાડીઓ સુધી સીમિત રાખવામાં આવશે?શું નાણાંબળ અને ઓળખના કારણે મુખ્ય સુત્રધારો બચી જશે? કે પછી કાયદો પોતાનું કામ કરી ગુનાહિતોને કાયદાની કટઘરીમાં લાવશે?આધોઈ સોપારી કાંડ માત્ર તસ્કરીનો કેસ નથી, પરંતુ કાયદાની વિશ્વસનીયતા સાથે જોડાયેલ મુદ્દો બની ગયો છે.

.....................

તપાસની દિશા પર જનતાની નજર

ગાંધીધામ : જનતા અને વેપાર જગત બંને આ કેસ પર કડક નજર રાખી રહ્યા છે. કારણ કે જો તપાસ અધવચ્ચે અટકશે અથવા દબાઈ જશે, તો તે કાયદા પ્રત્યેના વિશ્વાસને ઘાત પહોંચાડશે. જ્યારે નિષ્પક્ષ અને નિર્ભય તપાસ થશે, ત્યારે જ સાચા આરોપીઓ સામે આવશે.

Comments

COMMENT / REPLY FROM