ભુજમાં મત અધિકાર માટે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં આંદોલન કરશે
કલેકટર પરિસરમાં ધરણા યોજી ફોર્મ નં - ૭ની ખોટી સ્વીકૃતિ સામે હોળી કરી કચ્છ કલેકટરને જગાડવાનો પ્રયાસ જીલ્લા કોંગ્રેસે કર્યો : સંવિધાન અને લોકશાહી બચાવવા કોંગ્રેસ પક્ષ ન્યાય માટે લડાઈ લડશે :
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા - ૨૦૨૬ સંદર્ભે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદાર યાદી અનુસંધાને વાંધા, સુચન અને હક્ક-દાવા માટે ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તા. ૧૮-૧-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક તા. ૧૬-૧થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં. ૭ હજારોની સંખ્યામાં આવવા માંડયા છે.
કાનૂની સ્થિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ની જોગવાઈઓ અનુસાર, ફોર્મ-૭ (નામ કાઢી નાખવા માટે વાંધો) ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે જ્યારે માન્ય આધારો અને દસ્તાવેજી પુરાવા, જેમ કે મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણમાં ફેરફારનો પુરાવો અથવા સ્પષ્ટ રીતે જણાવેલ લેખિત વાંધો સહાયક સામગ્રી સાથે હોય. આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલા મતદાર અથવા સંબંધિત બીએલઓ દ્વારા જ સબમિટ કરી શકાય છે, અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને આધીન હોવી જોઈએ. ફોર્મ-૭ વાંધાઓનું સંકલિત ફાઇલિંગ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટેનું એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરૂ હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે. ફોર્મ નં. ૭ છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદીજુદી ઓફિસોમાં જમા કરાવવામાં આવ્યા છે તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોકપ્રતિનિધિત્વ ધારા - ૧૯૫૦ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચેત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી છે. ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલા લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતારીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને કોર્ટના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની જવાબદારી આપના શિરે રહેશે જેની જાણ લેશો.
કાર્યક્રમમાં વી.કે. હુંબલ, આદમ ચાકી, યજુર્વેન્દ્રસિંહ મામદ જત, નીતેશ લાલણ, રફીક મારા, પી.સી. ગઢવી, રસીદ સમા, જીલ્લા સમિતિના હોદેદારો, તાલુકા કોંગ્રેસ શહેર સમીતીના પ્રમુખો, પાંખ સેલના પ્રમુખો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ફોર્મ નં-૭ જેમની સામે નામ દાખલ થયું છે તેવા મતદારો, હોદેદારો, કાર્યકરો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવું પ્રવક્તા હુશેન રાયમાની યાદીમાં જણાવ્યું હતું.
----------
સુમરાસર શેખમાં ૬૦૦ થી વધુ મતદારોના નામ યાદીમાંથી કમી કરવાનું કાવતરૂ
ભુજ તાલુકા યુવક કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
ભુજ - કચ્છઉદય : તાલુકાના સુમરાસર શેખ ગામમાં લોકશાહીના મૂલ્યોનું હનન થતું હોવાની ગંભીર ફરિયાદ સાથે ભુજ તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુમરાસર શેખ ગામના ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં વસતા ૬૦૦ થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા માટે ભાજપ દ્વારા આયોજનબદ્ધ રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ઘટનાને લોકશાહી પર સીધો હુમલો ગણાવતા યુવક કોંગ્રેસે જણાવ્યું હતું કે એક જ સમાજને નિશાન બનાવીને તેમને મતાધિકારથી વંચિત રાખવાની આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. આ મામલે ચૂંટણી પંચ તત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.
-----------

Comments