ગાંધીધામમાં કરોડોની પાણીલાઈનના કામમાં લાલીયાવાડીનો ભાંડો ફુટયો
મનપા કમિશ્નર શ્રી ગુરવાણીએ અંતે ઠેકેદાર સામે ત્રિનેત્ર ખોલ્યું
કરોડના ખર્ચે નાખવામાં આવેલી નવી પાણીની લાઈન કામ શરૂ થાય તે પહેલાં જ નબળી પુરવાર થતા પ્રજાભિમુખ કમિશ્નરશ્રી થયા લાલઘૂમ
એનઓસી આપનાર પર પગલા ભરો : બેદરકારીપૂૃર્વક કામ કરનાર એજન્સીને લીલીઝંડી આપી દેનારની સામે જ ફોજદારી કરો : આવા તત્વોના નામો પણ જાહેર કરો : ગાંધીધામને નર્કાગાર બનાવનાર, શહેરના દુશ્મન, ભ્રષ્ટચારીઓ કોણ હતા?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં નગરપાલિકા સમયકાળમાં તથા મનપા બની ગયા બાદ જયારે ઈન્ચાર્જ અધિકારીઓના હાથમાં શાસન હતુ ત્યાં સુધી શહેરમાં માળખાગત સુવીધાના નામે લાલીયાવાડી જ ચાલતી હતી. પાણી, ગટર, રોડ-રસ્તા, પેચવર્ક સહિતના કામો થયા પરંતુ તે મોટાભાગના કાગળ પર જ રહી ગયા હતા. હવે પાણીની લાઈનના કામોમાં ધુપ્પલ ખુલવા લાગ્યા છે. કરોડોના કામોમાં પાણીના લાઈનનાટેસ્ટીંગ વખતે ઠેર ઠેર લીકેજ સામે આવી રહ્યા છે ત્યારે મનપા કમિશ્નરશ્રીએ ત્રિનેત્ર ખોલી દીધું હોય તેમ અધિકારીઓને કડક સુચનાઓ આપી અને આવુ કામ કરનાર ઠેકેદાર સામે લાલઆંખ કરી દીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ અને આદિપુરની પ્રજાને પૂરતું પાણી પહોંચાડવા માટે અંદાજે રૂ.૧૧૦ કરોડના ખર્ચે નાખવામાં આવેલી નવી પાણીની લાઈન કામ શરૂ થાય તે પહેલાં જ નબળી પુરવાર થઈ છે. લાઈનનું ટેસ્ટિંગ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં લીકેજ, નબળી ગુણવત્તા અને ગંભીર ખામીઓ સામે આવી છે, જેના કારણે સમગ્ર યોજના પર મોટાં પ્રશ્નચિહ્નો ઊભા થયા છે.ચોંકાવનારી બાબત એ છે કે, તત્કાલિન નગરપાલિકાના શાસન દરમિયાન આ કામને પહેલેથી જ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવાયું હતું, જ્યારે જમીન નીચે હકીકતમાં શું હાલત છે તે હવે બહાર આવી રહી છે.મનપા કમિશનર મનીષ ગુરવાણીનું ‘ત્રિનેત્ર’ ખોલ્યું છે. નવી રચાયેલી ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે— “વરૂડી એજન્સી દ્વારા કરવામાં આવેલી તમામ કામગીરીનું હાલ મનપા દ્વારા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જ્યાં જ્યાં લીકેજ કે ખામી જોવા મળી રહી છે ત્યાં એજન્સી પાસે જ વિનામૂલ્યે ફરી મરામત કરાવવામાં આવી રહી છે. જો ગંભીર બેદરકારી કે ગેરરીતિ સાબિત થશે તો પોલીસ ફરિયાદ કરતાં પણ અચકાઈશું નહીં.”
.........................
દબાણ હેઠળ દબાયેલા પાપ હવે બહાર
ગાંધીધામ : આ પાણી લાઈન કામ અગાઉ જી.યુ.ડી.સી. હસ્તક થયું હતું, અને તે સમયે પણ ભૂગર્ભ પાણી યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. નગરપાલિકામાં આ મુદ્દે અવાજ પણ ઉઠ્યો હતો, પરંતુ રાજકીય તથા અન્ય દબાણોને કારણે એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.હવે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ જૂના પાપો એક પછી એક ઉઘાડા પડી રહ્યા છે. તે સમયની બેદરકારી, આંખ મીંચી ને આપવામાં આવેલા સર્ટિફિકેટ અને જવાબદારી વિહોણા નિર્ણયો સામે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
.................
પ્રશ્ન એ છે કે,
• કામ શરૂ થાય એ પહેલાં કમ્પ્લીશન સર્ટિફિકેટ કોણે આપ્યું? • કરોડોની યોજના દરમિયાન ગુણવત્તાની તપાસ કેમ ન થઈ? • પ્રજાના પૈસાની જવાબદારી કોણ લેશે? • ગાંધીધામની પ્રજા હવે જવાબ માંગે છે અને મહાનગરપાલિકાનો આ કડક અભિગમ આવનારા દિવસોમાં મોટા ખુલાસાઓ કરશે તે નક્કી છે.
.....................
કચ્છઉદય સતત આ મુદ્દો ઉઠાવ્યો હતો,
મોટાપેટવાળાએ ધ્યાને ન લીધું, કમિશ્નરશ્રીએ એજન્સીનો લીધો ઉધડો..!
ગાંધીધામમાં પાણીના કામ કરનારી એજન્સીની લાપરવાહથી થકી કરોડો રૂપીયા પાણીમાં જઈ રહ્યા હોવાના અહેવાલો, નળ સે જળ યોજનામાં પણ છળના આંખ ઉઘાડનાર અહેવાલો સતત રજુ કરવામા આવ્યા હતા. કમિશ્નર શ્રી ગુરવાણીએ આ મામલે ગંભીરતા તો સતત લીધી જ હતી, પરંતુ કામ કરનારી અને બેપરવાહ વરૂડી એજન્સીને પાઠ ભણાવતો ધાક બેસાડતો કડક આદેશ આપતા સૌ લાપરવાહોમાં પણ ફફડાટ વ્યાપેલો છે.

Comments