Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં ધારાશાસ્ત્રીના ઘરેથી ધોળા દિવસે ૧૦.પ૯ લાખની ચોરી કરનારા બે સગીર સહિત ચાર પકડાયા

22 January



અંજાર પોલીસે ૮.૭૧ લાખનો મુદ્દામાલ રિક્વર કર્યો : આદિપુરની ચોરીનો પણ ઉકેલાયો ભેદ : ચોરીનો મુદ્દામાલ વેચવા જતા હતા ત્યારે મેઘપર (કુંભારડી)ના બસ સ્ટેશન પાસેથી ઝડપી લેવાયા : આરોપીઓને પકડવા ૯ ટીમે ૩પ૦ સીસીટીવી કેમેરાના ફુટેઝનું કર્યું હતું એનાલિસીસ 


ભુજ - કચ્છ ઉદય : અંજાર શહેરમાં જૈન કોલીની ખાતે રહેતા ધારાશાસ્ત્રીના ઘરમાંથી ૧૦.પ૯ લાખની ચોરી કરવામાં આવી હતી. જેમાં સપ્તાહના ટુંકાગાળામાં અંજાર પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ મુદ્દામાલ વેચવા જતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગત ૧૭ તારીખે વકીલ પારસ લક્ષ્મણભાઈ મુલચંદાણી ઘરેથી ઓફિસે ગયા અને પત્ની જીમમાં ગયા ત્યારે ૧૦ થી ૧રઃ૩૦ વાગ્યા દરમિયાન ઘરમાંથી ૮.૯૯ લાખના દાગીના અને ૧.૬૦ લાખ રોકડની ચોરી કરવામાં આવી હતી. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ૯ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ૩પ૦ વધારે સીસીટીવી કેમેરા ફૂટેઝનું એનાલિસીસ કર્યું અને જરૂરી ટેકનીકનો ઉપયોગ કર્યા બાદ બાતમીદારો મારફતે તપાસ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે, ચોરીને અંજામ આપનાર ઈસમો વાદળી કલરની ફસીનોથી મુદ્દામાલ વેચવા અથવા સગેવગે કરવા અંજાર - આદિપુર - શિણાય ત્રણ રસ્તે પસાર થાય છે. જેથી મેઘપર (કુંભારડી) બસ સ્ટેશન પાસેથી ચાર ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠાના ડિસાના અજયભાઈ પોપટભાઈ દેવીપુજક, મુકેશભાઈ વિનોદભાઈ દેવીપુજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરનો સમાવેશ થાય છે. તેઓ પાસેથી ૧,૧૩,પ૦૦ રોકડા અને ૭,૧ર,૯૯ર ના અલગ અલગ દાગીના તથા વાહન અને મોબાઈલ મળી કુલ ૮,૭૧,૪૯ર નો મુદ્દામાલ રિક્વર કરવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછમાં તેઓએ અંજાર અને આદિપુરમાં બે અલગ અલગ જગ્યાએ દિવસ દરમિયાન બંધ મકાનના પાછળના દરવાજાના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિક્વર કરવામાં આવ્યો છે.  આ કામગીરીમાં પીઆઈ એ.આર.ગોહિલ, પીએસઆઈ એસ.જી.વાળા સહિતના જોડાયા હતા. 

....................

આરોપીઓ દિવસ દરમિયાન જ ચોરી કરતા 


ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમિયાન રહેણાક સોસાયટી વિસ્તારમાં બંધ મકાનોની માહિતી મેળવી રેકી કરી દિવસ દરમિયાન બંધ મકાનોમાં ગમે તે રીતે પ્રવેશ કરી કિંમતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરતા હતા. 

..............

આદિપુરમાં થયેલી ૭.૪૦ લાખની ચોરીમાં દોઢ લાખનો મુદ્દામાલ રિક્વર કરાયો 

આદિપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ધોળા દિવસે રોકડ અને દાગીના મળી ૭.૪૦ લાખની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપીઓ પાસેથી સોનાની ચાર બંગડી પ૧.૧પ૦ ગ્રામ કિંમત રૂા.દોઢ લાખનો મુદ્દામાલ રિક્વર કરવામાં આવ્યો હતો. 


 

Comments

COMMENT / REPLY FROM