સુખપર શિશુવાટિકાના બાળકોની શિશુ શિક્ષણની સફરમાં વાલી અને ગ્રામજનો જોડાયાં
ભુજ - કચ્છઉદય : તાલુકાના સુખપર ખાતે નાના ભૂલકાંઓની શારીરિક, માનસિક, બૌધ્ધિક અને સંસ્કારી વિકાસની યાત્રાને વાલીઓ તથા ગામ લોકોને જીવંત દર્શન કરાવવા શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સંલગ્ન શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્યામ સરસ્વતી શિશુવાટિકા - સુખપરમાં શિશુ શિક્ષણની સફરના નામે એક વિશિષ્ટ અને હેતુસભર કાર્યક્રમનું આયોજન થયેલ.
અઢી દાયકા જુનાં અને વાલીઓમાં સૌથી વિશ્વાસપાત્ર એવાં શિશુવાટિકાના કાર્યક્રમમાં મનમોહક ગરબા તથા પરંપરાગત સંસ્કૃતિ અને લોકવારસાને સાચવવા માટે બાળ ભક્તોની વેશભૂષા રજૂ કરીને તેનો પરિચય આપવા સાથે આરોગ્ય, શિસ્ત અને યોગનો સંદેશ આપવા માટે સૂર્યનમસ્કાર અને બાળ પ્રયોગો દ્વારા સમાજને શિશુ શિક્ષણની નમુનારૂપ ઝાંખી દેખાડવામાં આવેલ હતા.
અત્યારના જંક અને ફાસ્ટફૂડના યુગમાં બાળકોને આવા નુકસાનકારક ખોરાકથી બચાવવા દરેક પ્રકારનાં દરેક પ્રકારના લીલાં શાકભાજીના પહેરવેશ સાથે સ્ટેજ ઉપર જ આબેહૂબ શાક માર્કેટ ઉભી કરીને સાવ ભુલકાઓ દ્વારા કાલીઘેલી ભાષામાં પૌષ્ટિક શાકભાજીના લાભનું સુંદર વર્ણન કરીને સૌની વાહવાહી મેળવી હતી. પ્રાથમિક શાળાના બાળકો તથા આચાર્યોએ સંગીતની જમાવટ સાથે પ્રાચીન અને સંસ્કૃતિને અનુરૂપ ગીતો ગાઈને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓ બાળકોની સુંદર રજૂઆત અને મુલ્ય નિષ્ઠ ભારતીય શિક્ષણના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
તાજેતરમાં જ પેરા મિલિટરી દળ સી.આઈ.એસ.એફમાં ભરતી થયેલ આ શિશુવાટિકાની ૨૨ વર્ષે અગાઉની વિધાર્થિની સુમિતા ભુડિયાનું ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું જ્યારે બાળકોના ઈનામના દાતા વાલુબેન રાબડીયા સાથે વાલી પ્રીતિબેન રૂપાલીયા મંચસ્થ રહ્યાં હતાં એવું શિશુવાટિકાના પ્રધાનાચાર્ય શાન્તાબેન ખેતાણીની યાદીમાં જણાવાયું છે.
-----

Comments