Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં ૮૮ મતદારોના નામ કમી કરવાના બોગસ ફોર્મ ભરાતા ખળભળાટ

20 January



ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો ગંભીર આક્ષેપ


બીએલઓ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી : અસામાજિક તત્વો દ્વારા સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર રચાયું હોવાની આશંકા


ભુજ - કચ્છઉદય : અંજાર શહેરમાં હાલ ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંજારના ભાગ નંબર ૨૫૩ના બૂથ લેવલ ઓફિસર મેહુલકુમાર રમેશચંદ્ર દવે દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અસામાજિક તત્વો દ્વારા મતદારયાદીને દૂષિત કરવાના બદઈરાદે અંજાર ભાગ નંબર ૨૫૩ના ૮૮ જેટલા મતદારોના નામ કમી કરવા માટેના વાંધા અરજી ફોર્મ નંબર સાત બારોબાર પ્રાંત કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ તમામ ફોર્મની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે જે મતદારોના નામ કમી કરવા માટે અરજી કરાઈ છે તેઓ તે જ વિસ્તારના કાયમી અને વર્તમાન રહેવાસીઓ છે. નવાઈની વાત એ છે કે વાંધા અરજી કરનારા એક પણ અરજદાર તે વિસ્તારના રહેવાસી નથી.
આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. કુલ ૮૮ ફોર્મ પૈકી આઠ અરજદારોના નામે ૧૦-૧૦ ફોર્મ અને એક જ અરજદારના નામે ૮ ફોર્મ ભરીને રજૂ કરવામાં આવ્યા છે. આ ફોર્મ સાથે જોડવામાં આવેલા ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબરની ઓનલાઈન ચકાસણી કરતા મોટાભાગના નંબરો ખોટા અથવા અસ્તિત્વમાં ન હોવાનું જણાયું છે. ઘણા ફોર્મમાં મોબાઈલ નંબર નવ આંકડાના છે તો ચૂંટણી કાર્ડના નંબરમાં પણ ભૂલો જોવા મળી છે. આ ઉપરાંત નિયમ મુજબ આ ફોર્મ બીએલઓને આપવાને બદલે સીધા કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકા જન્માવે છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને મતદારયાદી સાથે છેડછાડ કરવાનો આ કારસો હોવાનું બીએલઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે.
બીએલઓ મેહુલકુમાર દવેએ આ બાબતે કડક પગલાં લેવાની માંગ કરતા જણાવ્યું છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૩૧ હેઠળ ખોટા એકરાર કરવા બદલ એક વર્ષની સજા અથવા દંડની જોગવાઈ છે. વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરનારા આ તત્વો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર, ભુજ કલેક્ટર અને મુખ્યમંત્રી પોર્ટલ પર પણ મોકલવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
------ 

Comments

COMMENT / REPLY FROM