સામખિયાળી ગામે દુકાનમાં વિકરાળ આગ, આગ બુઝાવતી વખતે ફાયર જવાન દાઝ્યો
ફાયર ટીમની બહાદુરીથી મોટી જાનહાની ટળી : ૨૦૦ લીટરથી વધુ ફોમનો ઉપયોગ : દુકાનમાં ઓઈલ અને ગ્રીસ વધુ માત્રામાં હોવાથી આગ પ્રસરી : બાજુમાં ગેસ સિલિન્ડરની દુકાન તાત્કાલિક ખાલી કરાવાઈ
ભુજ - કચ્છ ઉદય : સામખિયાળીમાં આવેલી દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ દુકાનમાં ગ્રીસ અને ઓઈલ વધુ માત્રામાં હોવાથી આગે વેગ પકડ્યો હતો. બાજુમાં આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરના બાટલા ભરેલા હતા. ફાયર ટીમે તાત્કાલિક દુકાન ખાલી કરાવી હતી. ર૦૦ લિટરથી વધુ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ મહેનતે આગ કાબૂમાં આવી હતી. આ બનાવમાં એક ફાયર કર્મચારી દાઝી ગયા હતા.
ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને રાત્રે અંદાજે ૧૦ઃ૫૦ વાગ્યે ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવી હતી કે સામખિયાળી ગામમાં આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી છે. જાણ મળતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ફાયર ટીમે જોયું કે દુકાનમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. દુકાનની અંદર ઓઇલ અને ગ્રીસનો ભારે જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગ સતત ભભૂકી રહી હતી, જેના કારણે આસપાસની દુકાનો અને ઇમારતોને પણ ભારે જોખમ ઊભું થયું હતું. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે નજીકની દુકાનોને પણ લપેટમાં લેવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક ૨૦૦ લીટરથી વધુ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો કર્યા. આગની તીવ્રતા વધુ હોવાથી બાજુમાં આવેલી ઈટી કંપનીનું ફાયર ટેન્ડર પણ બોલાવવામાં આવ્યું, જેથી સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ. આગની નજીકમાં આવેલી દુકાન અને બિલ્ડિંગમાં ગેસ સિલિન્ડરો ભરેલા હોવાની જાણ થતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક દુકાન ખાલી કરાવવામાં આવી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી શકી. લાંબી અને ભારે મહેનત બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી. આ ફાયર ઓપરેશન દરમિયાન ભચાઉ ફાયર ટીમના એક ફાયર જવાન આગ બુઝાવતી વેળાએ દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર રેસ્ક્યુ અને ફાયરફાઈટિંગ કામગીરીમાં ભચાઉ નગર પાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા, શક્તિસિંહ અને જયરાજસિંહે બહાદુરીપૂર્વક ફરજ બજાવી હતી, જ્યારે ઈટી કંપની તરફથી સોલંકી ધ્રુપાલસિંહ અને સી.પી.સિંહે પણ આગ બુઝાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. ફાયર ટીમોની સમયસરની કાર્યવાહી, સંકલન અને સાહસના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ અને આસપાસના વિસ્તારોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં ફાયર ટીમની કામગીરીને લઈ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Comments