એલ.એલ.ડી.સી. ખાતે પ્રેરણા ગેલેરીમાં બાંધણીના નવા શો “પહલ” થી નવા વર્ષની કલાત્મક પહલ
ભુજ - કચ્છઉદય : તાલુકાના અજરખપુરમાં આવેલ લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર (એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ) ખાતે તા. ૧૯/૦૧/૨૦૨૬ના ઈન્સ્પીરેશન ગેલેરીમાં કચ્છની સુપ્રસિદ્ધ અને અતિ લોકપ્રિય હસ્તકલા બાંધણીનો નવો શો “પહલ” કારીગરો, નિષ્ણાતો, ડિઝાઇનરો, મહાનુભાવો, આમંત્રિતો તેમજ કલાક્ષેત્રના દિગ્ગજોની ઉપસ્થિતમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એલ. એલ. ડી. સી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમી શ્રોફ દ્વારા મહેમાનોને આવકારી એલ.એલ.ડી. સી. વિશે તથા ઇન્સ્પીરેશન ગેલેરી વિશે વાત કરી હતી. સંસ્થાના રિસર્ચર વિમલ ત્રિવેદી દ્વારા ‘પહલ’ શોની કહાનીની વાત કરવામાં આવી હતી. સંસ્થાના કુયરેટર અવની દેવધર દ્વારા આ નવી ગેલેરીના ક્યૂરેશન વિશે વાત કરવામાં આવી ત્યારબાદ અબ્દુલ્લા ખત્રી દ્વારા ક્રાફટ સાથે એમના જીવનની શરૂઆત કઈ રીતે થઈ અને આજે તે કયા ક્ષેત્રમાં પહોંચ્યા છે તેની વાત કરાઇ, અબ્દુલ જબ્બાર ખત્રી દ્વારા તેમની શરૂઆતથી લઈ વિવિધ દેશોમાં વર્કશોપ અને મુલાકાતો તથા ડિઝાઇનર્સ સાથે અને આ ક્ષેત્રની કંપનીઓ સાથે કઈ રીતે જોડતા ગયા તે વાતો વર્ણવી હતી. ત્યારબાદ ડિઝાઇનર હિમાંશુ સહાનીએ પોતે કઈ રીતે ડિઝાઇન અને ઇનનોવેશનમાં સાથે મળી પ્રયાસો કર્યા તે જણાવ્યું હતું તો પિતા મોહમ્મદ હુશેન ખત્રી દ્વારા નવી બનેલ ગેલેરીને વધાવી હતી અને પોતાના બંને પુત્રોની મહેનત, લગન અને આ મુકામ સુધી પહોંચવા બદલ ગૌરવ અનુભવ્યુ હતું. અંતે રિસર્ચર શ્રદ્ધા ઠક્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અમી શ્રોફ, કિરીટભાઈ દવે, અબ્દુલ્લાહ ખત્રી, અબ્દુલ જબ્બાર ખત્રી, ડો.ઈસ્માઈલ ખત્રી, દેવજીભાઈ વણકર, મિંયા હુસેન મુતવા અને જબ્બાર ખત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને અબ્દુલ્લાહ ખત્રી અને અબ્દુલજબ્બાર ખત્રીના માતા પિતાના હસ્તે રિબિન ઓપનિંગ કરી શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
નૂતન પ્રદર્શન દ્વારા કચ્છની બાંધણી કળામાં કાર્યરત બંધુ માસ્ટર કારીગર અબ્દુલ્લાહ ખત્રી અને અબ્દુલજબ્બાર ખત્રીના બાંધણી હસ્તકલાની અદભૂત કારીગરીને રજૂ કરવામાં આવ્યું છે. તેમની કારીગરીમાં દેખાતી વિચારશીલ સર્જન પ્રક્રિયા, હાથની કુશળતા અને પ્રયોગશીલ અભિગમ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર છે. એલ.એલ.ડી.સી. માટે આવા કારીગરોને અને તેમની અદભૂત કૃતિઓને રજૂ કરવુંએ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમનું કાર્ય અને અભિગમ નવી પેઢી માટે શીખવા અને પ્રેરણા લેવા માટે માર્ગદર્શક બને છે, સાથે સાથે વિશ્વસ્તરે પહેલેથી ઓળખ ધરાવતા આ કારીગરોને અહીં તેમના પોતાના પ્રદેશમાં યોગ્ય ઓળખ અને સ્થાન મળે છે, કારણ કે ઘણીવાર જે અતિ નજીક હોય તેના કાર્ય સર્જનથી જ અજાણ રહી જવાતું હોય છે.
એલ.એલ.ડો.સી. મ્યુઝિયમ ખાતે કચ્છના વિવિધ હસ્તકળાઓના કારીગરોને સમર્પિત “ઈન્સ્પીરેશન ગેલેરી (પ્રેરણા ગેલેરી)’માં દર ચાર મહિને બદલાતા પ્રદર્શનોમાં દુનિયાભરની હસ્તકળાઓ પ્રદર્શિત કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે આ પ્રદર્શનમાં તમે કચ્છની બાંધણી કળાની પરંપરાગત મૂળથી લઈને તેની આધુનિક અભિવ્યક્તિ સુધીની યાત્રા આ "પહલ" પ્રદર્શન મારફતે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે. ગેલેરીમાં નવા શો અંતર્ગત માસ્ટર કારીગરો દ્વારા તૈયાર કરાયેલા બાંધણીના દુર્લભ નમૂનાઓ, પ્રયોગાત્મક આર્ટ પીસ અને વિવિધ તકનીકોના સંયોજનથી રચાયેલ સજનાત્મક કાર્ય અહીં પ્રદર્શિત છે. પરંપરાગત બાંધણી સાથે ક્લેમ્પ રેઝિસ્ટ, સ્ટીચ શિબોરી, માર્બલિંગ અને સ્પ્રે ડાય જેવી પદ્ધતિઓના પ્રયોગો દ્વારા કળાને કેવી રીતે નવી દ્રશ્ય અભિવ્યક્તિ મળે છે, તે આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ ડિઝાઇનરો સાથેના સહયોગથી બનેલા સમકાલીન નમૂનાઓ કચ્છની બાંઘણીને વૈશ્વિક દ્રષ્ટિથી રજૂ કરે છે.
પ્રદર્શન કારીગરની કારીગરી, લગન, સર્જનશીલતા અને વિચાર પ્રક્રિયાને નજીકથી જોવા અને સમજવાનો અવસર આપે છે અને કાપડથી આગળ વધીને કળા અને પરંપરાનો અનુભવ પણ કરાવે છે. આ પ્રદર્શનનું અનેરૂ સંયોજન અને મોહિત કરે તેવી ગોઠવણ તેમજ તેને ગરિમામય બનાવવામાં અને આયોજનમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમી શ્રોફ, રિસર્ચ વિભાગના હેડ વિશાલ મકવાણાના માર્ગદર્શન હેઠળ અવની ગોર, શ્રધ્ધા ઠક્કર, વિમલબેન ત્રિવેદી તેમજ એલ.એલ.ડો.સી. આર્કાઇવના મોહનભાઇ મંગરિયા, નિહાલ રાઠોડ તેમજ અન્ય સ્ટાફ મિત્રો વગેરેએ કર્યું હતું.
-----

Comments